અરબી દરિયામાં વાવાઝોડું સક્રિય : હાલમાં ખતરો નહીં

1812

અરબી સમુદ્રમાં સાગર વાવાઝોડુ સક્રિય થતાં હવામાન ખાતા દ્વારા હવામાનના સંભવિત ફેરફાર અને પલટાને લઇ આગાહી કરવામાં આવી છે. જો કે, અરબી સમુદ્રમાં ઉઠેલા આ સાગર વાવાઝોડાને લઇ ગુજરાત રાજય પર કોઇ મોટો ખતરો નહી હોવાની સ્પષ્ટતા પણ કરાઇ છે, તેથી નાગરિકો માટે તે રાહતની વાત છે. બીજીબાજુ, સાગર વાવાઝોડાને લઇ અગમચેતીના પગલાંરૂપે પોરબંદર, વેરાવળ, નવલખી અને જાફરાબાદના દરિયાકાંઠાના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાગર વાવાઝોડાના કારણે દરિયામાં પવનની સ્પીડ વધી શકે જેના કારણે બંદર પર તેની અસર થવાની શક્યતા છે, તે હેતુથી બંદરો પર બે નંબરનું સિગ્નલ મૂકી દેવાયું છે. બીજીબાજુ, જૂનાગઢ સહિતના કેટલાક પંથકોમાં ગઇકાલથી હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો, જેમાં ધોરાજી પથંકમાં ગઇકાલે સાંજે ભારે પવન સાથે વાવાઝોડું આવતા મોટીમારડ ગામ પાસે પાટણવાવ રોડ પર વૂક્ષો ધરાશાયી થઈ જતાં રોડ બંધ થઈ ગથો હતો. ધરાશાયી થયેલા વૂક્ષોને જેસીબી મશીનો મારફતે દૂર કરાવીને રસ્તો ખુલ્લો કરાવાયો હતો. તો કેટલાક વિસ્તારમાં કરા સાથે પોણા કલાકમાં જ અડધો ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો. આ વાવાઝોડામાં ૭૬ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા,એટલી પવનની તીવ્રતા હતી. જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો અને વાદળછાયુ વાતાવરણ ઘેરાયુ હતો. તો, ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અહીં પણ ધૂળની જોરદાર આંધી સર્જાઇ હતી. જૂનાગઢ પંથકમાં વરસાદી છાંટા પણ પડતાં વાતાવરણ અચાનક પલટાઇ ગયું હતું. દરમ્યાન હવે અરબી સમુદ્રમાં સાગર વાવાઝોડુ સક્રિય થયું છે, પરંતુ હવામાન ખાતા દ્વારા ગુજરાત પર આ વાવાઝોડાની કોઇ બહુ મોટી અસર નહી થવાની આગાહી કરાઇ હોઇ નાગરિકો માટે રાહતની વાત છે. જો કે, ગુજરાતના બંદરો પર ૨ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આશરે ૪૦થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Previous articleબિટકોઇન : નલિન કોટડિયાની અટકાયત માટે અંતે વોરંટ જારી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે