ગરીબોના અનાજનો ૧૪ લાખનો જથ્થો ત્રણ વાહનો સાથે જપ્ત

979

 

 

સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવામાં આવતું ગરીબોનું અનાજ તંત્રની રહેમ નજર હેઠળ પેકીંગ અનાજ વેંચતા વેપારીઓને ત્યાં પગ કરી જતો હોવાની ચર્ચાઓને સમર્થન આપતો વધુ એક બનાવ ઇડરમાં જાગૃત નાગરિકોના કારણે બહાર આવ્યો છે.

સસ્તા અનાજની દુકાનોમાં ફાળવણી કરાયેલા જથ્થા પૈકી કેટલાક કટ્ટા મોહનપુરા પાટિયા પાસે એક દુકાનમાં ઉતારી લેવાતા ઈડર પ્રાંત અધિકારીને જાણ કરાતા પ્રાંત કચેરી ઈડર અને પુરવઠાની ટીમોએ ઘઉં અને ચોખાના જથ્થા સાથે ત્રણ વાહનો અંદાજિત કિંમત રૂ. ૧૪ લાખ સીઝ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઈડર તાલુકાના પરવાનેદાર સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા કાર્ડ ધારકોને અપૂરતો જથ્થો આપી સરકાર દ્વારા ફાળવવામાં આવતાં રેશનીંગના જથ્થાને બારોબાર વગે કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. દુકાન ધારકો દ્વારા ઘણી વખત ગોડાઉનમાંથી માલ આવ્યો નથી જેવા બહાના કરવામાં આવે છે.

શુક્રવારે સરકારી ગોડાઉનમાંથી નીકળેલ અનાજનો જથ્થો ઇડરના મોહનપુરા પાટિયા કોર્ટ સંકુલ આગળ આવેલ દુકાનોમાં ખાલી કરવામાં આવતાં ઈડર પ્રાંત અધિકારી એ.જે દેસાઈને જાણકારમાં આવતા તેમણે પ્રાંત કચેરી અને પૂર્વની ટીમોને તપાસ માટે સુચના આપી હતી. બંને વિભાગની ટીમોએ તપાસ હાથ ધરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

Previous articleડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુઃખાવો ઉપડતાં બસ ખેતરોમાં ઉતરી ગઇ
Next articleકર્ણાટકમાં ભાજપ સરકાર પડી જતાં અને કોંગ્રેસ આવતાં ગાંધીનગરમાં ફટાકડા ફૂટયા