નિપાહ વાઇરસના હાહાકારને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર

809

 

 

કેરળમાં નિપાહ વાઇરસના આક્રમણ બાદ દેશભરમાં મચેલા હાહાકારને પગલે તમામ રાજયોમાં કેન્દ્ર સરકારે સતર્કતા અને જરૂરી પગલાંના આદેશો આપી દેવાયા છે. કેરળમાં નિપાહ વાઇરસના કારણે અત્યાર સુધી ૧૦ લોકોનાં મોત થયા છે. નિપાહ વાઇરસને લઇ હવે ગુજરાત રાજયમાંં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં દેખાયેલો નિપાહ વાઇરસ ચામાચિડીયાથી ફેલાય છે. નિપાહ વાઇરસના આક્રમણ અને તેની ગંભીર અસરોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પણ ગુજરાતમાં એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં આ રોગને પ્રવેશતો અટકાવવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. તબીબો સાથે જિલ્લા કલેક્ટરને પણ આ વિશે કડક સૂચના અપાઇ છે. રાજયના વિવિધ જિલ્લા કલેક્ટરની સાથે સાથે પશુપાલન વિભાગ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલ સહિતના દવાખાનાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું આરોગ્યપ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું હતું. નિપાહ વાઇરસનાં રોગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. નિપાહ વાઇરસનાં કેસમાં ૯૭૨૭૭૨૩૩૦૧ નંબર પર સ્ટેટ નોડલ ઑફિસરનો સંપર્ક કરવાનો રહેશે.  ઉલ્લેખનીય છે કે નિપાહ વાઇરસ ૧૯૯૮-૯૯માં સૌપ્રથમ મલેશિયામાં જોવા મળ્યો હતો. નિપાહ વાઇરસનાં લક્ષણો તાવ, માથાનો દુઃખાવો, સુસ્તી, માનસિક અસ્વસ્થતા, ખેંચ અને કોમા વગેરે છે. તેના લક્ષણો પાંચથી ૧૪ દિવસ પછી જોવા મળે છે. નિપાહ વાઇરસનાં કેસમાં દર્દી ૨૪થી ૪૮ કલાક કોમામાં જતો રહે છે. આ વાઇરસનાં દર્દીઓનો મૃત્યુઆંક ૭૫ ટકા છે.

Previous articleપોસ્ટ વિભાગના કર્મીઓની હડતાલનો પ્રારંભ
Next articleગુજરાતના પાવર પ્લાન્ટ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી