નકલી દૂધ ૫કડવા રાજ્યવ્યાપી દરોડા

1115
guj652018-6.jpg

રાજયભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરી એક વાર દૂધના સેમ્પલ લેવાની કવાયત શરૂ કરી છે. બીજી વાર શરૂ કરાયેલા આ રાજ્ય વ્યાપી અભિયાનમાં ૬૦થી વધુ ટીમો દ્વારા દૂધના સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. 
ગીર સોમનાથ જિલ્લામાં પણ દૂધના સેમ્પલો લેવાયા છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગે દૂધની ડેરીઓ પર ચેકીંગની કાર્યવાહી હાથ ધરી છે. તાલાલામાં ડેરીઓ પર આવતા દૂધના સેમ્પલો લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કેશોદમાં પણ દૂધના નમૂના લેવામાં આવ્યા છે. બામણાસા ગામની સોરઠ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત બીએમસી ડેરી પર ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જ્યાંથી દૂધના બે સેમ્પલ લેવાયા હતા. આ ડેરીમાં આસપાસના ગામડાનું દુધ આવી રહ્યું છે તેના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.આ ડેરીમાં સવારના અંદાજે ૧૮૦૦૦ તેમજ સાંજના ૧૫૦૦૦ લીટર દુધ  જમા થતુ આવુ છે. આ ડેરીમાં આસપાસની ૪૦ થી ૪૨ મંડળીઓનું  દૂધ આવે છે. ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પણ દૂધના નમૂના લેવામાં આવ્યા છે. ગાંધીનગરના આદેશને પગલે શહેરના ત્રણ સ્થળેથી ઘી તેમજ દૂધના નમૂના લેવાયા છે. શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલ બ્રિજરાજ મિલ્ક માર્કેટિંગ નામના વેપારીને ત્યાંથી પાટણની એપલ ડેરીના એપલ ગોલ્ડ નામના દુધના નમુના લેવામાં આવ્યા છે. તો સુભાષનગર વિસ્તારમાં આવેલ બે અમુલ પાર્લર પરથી અમુલ ગોલ્ડ , ટી સ્પેશીયલ દુધના નમુના લેવામાં આવ્યા હતા. આ નમૂનાને સીલબંધ કરી સરકારી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં મિલ્ક પાર્લરમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે. મથુરેશ ફાર્મ.. પટેલ ડેરી સહિત બાર જેટલા મિલ્ક પાર્લર પરથી આરોગ્ય વીભાગે દૂધની તપાસ તેમજ નમૂના લેવાયા હતા. શહેરના અકોટાપમાંજલપુર.. વાઘોડિયા રોડ તેમજ માર્કેટ સહિતના વિસ્તારોમાં દૂધની ગુણવત્તાની તપાસ શરૂ કરાઇ છે. અમરેલીમા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના વેપારીઓને ત્યાં તવાઇ બોલાવી છે. અમરેલીની રજવાડી ડેરીફાર્મ અને વૃંદાવન ડેરીફાર્મમા દૂધના નમૂનાઓ લેવાયા છે. છૂટક વેપારીઓને ત્યાંથી પણ નમૂના લેવાની કામગીરી હાથ ધરાઇ છે. ભાવનગરની ટીમ દ્વારા આ દરોડાની કામગીરી હાથ ધરાઇ છે.

Previous articleતત્કાલ ઇ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ : ૬૬૦૦ ટિકિટો રદ
Next articleએપ્રિલ માસમાં મ્યુનિ.ને વેરાપેટે પ૦ કરોડની આવક