તળાવમાંથી કારતુસનો જથ્થો મળતા ચક્ચાર

931
bvn852018-11.jpg

તળાજા તાલુકાના ભુંગર ગામના તળાવમાંથી ૩૪૦થી વધુ જીવતા કારતુસ મળી આવતા સમગ્ર શહેર-જિલ્લામાં ચક્ચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા દાઠા પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ અલગ-અલગ વેપનમાં વપરાતા કારતુસ કીચડમાંથી શોધી કાઢી કબ્જે લીધા હતા. અલગ-અલગ વેપનના જીવીત કારતુસનો જથ્થો તળાવના કિનારે કોણ નાખી ગયું તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ, તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક તળે આવતા ભુંગર ગામના તળાવ પાસે જીવતા કારતુસ હોવાની જાણ સ્થાનિક રહીશ દ્વારા દાઠા પોલીસને કરાતા પોલીસ મથકના પીએસઆઈ મકવાણા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ તળાવમાંથી અને કીચડમાંથી અલગ-અલગ વેપનમાં વપરાતા ૩૪૦ કારતુસ મળી આવ્યા હતા. બનાવની જાણ વાયુવેગે પ્રસરી જતાં શહેર અને જિલ્લામાં ભારે ચક્ચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે અને લોકમુખે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બનાવની જાણ થતા પાલીતાણા ડીવાયએસપી પરોજીયા અને ભાવનગર એફએસએલની ટીમ સવારે ભુંગર ગામે દોડી ગઈ હતી અને અલગ-અલગ વેપનના મળેલા કારતુસની જીણવટભરી તપાસ હાથ ધરતા જેમાં ૩૪૦ કારતુસમાંથી ૯૮ કારતુસ ફુટેલા છે અને અન્ય જીવીત કારતુસ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે દાઠા પોલીસે હાલ બિનવારસી કારતુસ મળ્યાની જાણવા જોગ દાખલ કરી છે. અલગ-અલગ વેપનમાંથી વપરાતા કારતુસનો જથ્થો નાનકડા એવા ભુંગર ગામના તળાવના કિનારે કોણ નાખી ગયું હશે. શું કોઈ મોટા બનાવને અંજામ આપવાનો હતો સહિતના અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ છે.
વધુમાં મળતી વિગતો મુજબ આ ભુંગરમાં ગામમાં અગાઉ નીલગાયનો શિકાર થતો હતો અને શિકારીઓ બંધુક દ્વારા મોટાભાગે શિકાર કરતા હોવાનું જણાઈ રહ્યું છે તેમજ મોટાભાગના કારતુસ ભારતીય લશ્કરી દળમાં ઉપયોગમાં લેવાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 
બનાવ અંગે જિલ્લા પોલીસવડા દ્વારા જીણવટભરી તપાસ કરવાના આદેશો આપ્યા છે. અટલી મોટી માત્રામાં જીવતા કારતુસ મળ્યાની સમગ્ર રાજ્યમાં પ્રથમ ઘટના હોવાનું પણ જાણવા મળ્યું છે.

Previous articleપાલીતાણા ખાતે રહેણાંકી મકાનમાંથી રોકડ-દાગીના મળી ૧ લાખની ચોરી
Next articleશાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ