સંત સરોવરમાં નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવશે

1480
gandhi1052018-1.jpg

ગાંધીનગર શહેર પાસે સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા સંત સરોવરમાં નહાવા માટે ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહયા છે પરંતુ આ જગ્યાએ ડુબી જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 
ગઈકાલે જ અમદાવાદના બે યુવાનોના ડુબવાથી મોત નીપજયા હતા. ત્યારે આ ઘટનાઓને અટકાવવા માટે તંત્ર દ્વારા હવે આ વિસ્તારમાં પ્રવેશ ઉપર જ પ્રતિબંધ ફરમાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે આગામી સમયમાં વિધિવત જાહેરનામું બહાર પાડવા માટેની તજવીજ પણ શરૃ કરવામાં આવી છે. હાલ પુરતું આ સ્થળે પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવાયો છે. સવારે આવેલા મુલાકાતીઓને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણીનું સ્તર ઉંચુ આવે તે હેતુથી શહેરની પાસે ઈન્દ્રોડા ગામ પાસેથી સાબરમતી નદી ઉપર ૧૫૦ કરોડના ખર્ચે સંત સરોવર બનાવવામાં આવ્યું છે જેમાં ૧ર દરવાજા પણ રાખવામાં આવ્યા છે. 
પાણી વધે ત્યારે દરવાજા ખોલીને તેને વહેતું કરવામાં આવે છે. ત્યારે સંત સરોવરમાંથી વહેતાં પાણીમાં નહાવા માટે હજારોની સંખ્યામાં લોકો આવી રહયા છે. હાલમાં વેકેશનનો સમય હોવાથી અમદાવાદથી પણ પરિવારો આ પાણીમાં છબછબીયાં કરવા માટે આવતાં હોય છે પરંતુ દરવાજા પાસે જ પડેલા ઉંડા ખાડાઓમાં ડુબી જવાથી મોતની ઘટનાઓ વધી રહી છે. બે દિવસ અગાઉ વિરમગામથી માતા સાથે સંત સરોવરમાં નહાવા માટે આવેલી છ વર્ષની બાળકીનું ડુબી જતાં મોત નીપજયું હતું તો ગઈકાલે સાંજે પણ અમદાવાદના બે યુવાનોના ડુબી જવાના કારણે મોત નીપજયા હતા. અગાઉ પણ ડુબવાના કારણે મોતની ઘટનાઓ બની હતી. આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રતિબંધના બોર્ડ લગાડવામાં આવ્યા છે પરંતુ આ સહેલાણીઓ બોર્ડને અવગણી રહયા છે અને અહીં નહાવાના કારણે મોતને ભેટી રહયા છે. આ ઘટનાઓના કારણે જિલ્લા તંત્રએ પણ ગંભીર નોંધ લીધી છે અને આગામી સમયમાં સંત સરોવરમાં નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવાની તજવીજ શરૃ કરવામાં આવી છે. હાલ પુરતો આ સ્થળે પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સવારના સમયે પણ ફાયર બ્રિગેડ દ્વારા ઓચિંતી આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ નાહી રહયા હતા જેથી પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરવામાં આવતાં આ મુલાકાતીઓને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા. 
ગાંધીનગરના નવા પીકનીક સ્પોટ બનેલા સંત સરોવરને પણ મુલાકાતીઓએ હવે ગંદકીના ઢગથી અભડાવી દીધું! સંત સરોવર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો ગાંધીનગરની મુલાકાતે આવનારા મુલાકાતીઓ પણ આ સ્થળની મુલાકાત લેવાનું ચુકતાં ન હોય તે પ્રકારે ત્યાં જઇને આનંદ પ્રમોદ કરી રહ્યાં છે. ગુજરાતમાં આવેલાં ખાનગી વોટર પાર્કમાં તગડી ફી ચુકવીને પ્રવેશ કરવો પડે છે ત્યારે આ સ્થળ મુલાકાતીઓ માટે વોટર પાર્કનો અહેસાસ કરાવતો હોય તેવું હોવાથી મુલાકાતીઓ પણ હજારોની સંખ્યામાં આવીને આ સ્થળ ઉપર પોતાનો દિવસ પસાર કરતાં હોય છે.

Previous article૨૧૭૭૨૫ આવાસને પૂર્ણ કરી લાભાર્થીઓને અપાયા
Next articleબ્રહ્માણી માતાના પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે પ્રથમ દિવસે હવન