આગામી ચોમાસામાં સંત સરોવરને પાણીથી છલોછલ ભરવાનું આયોજન

952

ચોમાસાની ઋતુમાં ગાંધીનગર શહેર અને આસપાસ ના નદી કાંઠાના વિસ્તારોમાં વરસતા પાણીથી સંત સરોવર ભરવાનું સુચારું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગ રૂપે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં ગાંધીનગર શહેર અને નદી કાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી બિનજરૂરી જગ્યાએ વહી જતું હોય છે. આ વરસાદી પાણી આગામી ચોમાસામાં બિન જરૂરી વહી ન જાય અને સીધુ સંત સરોવરમાં જાય તેવું કામ જિલ્લાની તમામ કચેરીએ એક ટીમ થઇ કરવાનું છે.
જિલ્લાની ટીમને પરિણામ લક્ષી કામ કરવાની આ ઉમદા તક ગણાવી હતી. સંત સરોવરમાં વિવિધ વિસ્તારોમાંથી પાણી વાળવાની પ્રક્રિયામાં ટેકનિકલ બાબતો અને વૈજ્ઞાનિક ઢબનું પણ ખાસ ધ્યાન રાખવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
સંત સરોવરમાં આસપાસના વિસ્તારોમાંથી પાણી જાય તે દરમ્યાન સંત સરોવરનું પાણી સ્વચ્છ રહે તે બાબત પર પણ ભાર મુક્યો હતો. કલેકટરે ચોમાસું નજીકમાં છે, તેમ છતાં આજે સંત સરોવરની કેપેસીટીનું ૭૫ ટકા પાણી સંગ્રહ હોવાનો આનંદ પણ વ્યકત કર્યો હતો.
આ બેઠકમાં સુજલામ સુફલામના અધિક્ષક ઇજનેર શ્રી મિસ્ત્રી, સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના નોડલ અધિકારી જે.એમ. માયત્રા, ડ્રેનેજ ડિવિજનના શ્રી કે.ડી.વાધેલાએ અધતન ટેકનોલોજીથી તૈયાર કરેલ એકશન પ્લાન રજૂ કરતાં જણાવ્યું હતું કે, સંત સરોવરમાં વિવિધ વિસ્તારના ૨૩ આવરાઓમાંથી પાણી લાવવામાં આવશે. જેમાં સરીતા ઉધાનની ઉત્તર, સરીતા ઉધાન અને સંસ્કૃતિકુંજ વચ્ચેનો, સંસ્કૃતિ કંજુની બાજુનો, રાજભવનની પાછળ, જી.ઇ.બી.ની નજીકનો, પેથાપુર ફ્રેન્ચવેલની નજીકનો, પીંપળજ, બાસણ, પાલજ-બાસણ વચ્ચેનો, ગાંધીનગર ચિલોડા બ્રિજ નજીકનો, લેકાવાડા, ધરમપુર, દોલારાણા વાસણા, ચેખલારાણી, રાજપુર, સાદરા સીમાડા અને માધવગઢ સીમાડા જેવા વિવિધ વોકળો (આવરાઓ) માંથી સંત સરોવરમાં પાણી લાવવામાં આવશે. તે ઉપરાંત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનનું અને શહેરનું પાણી પણ સંત સરોવરમાં લાવવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા આવરાઓની સાફ- સફાઇ તથા નદીમાં પાણી વહેવડાવવાનું કામ ગાંધીનગર મહાનગરપાલિકા, પેથાપુર નગરપાલિકા, પ્રાંત ગાંધીનગરઅને તાલુકા પંચાયત, પાટનગર યોજના ભવન દ્વારા કરાવવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના સુજલામ સુફલામ જળ સંચયના નોડલ અધિકારી જે.એમ. માયત્રાએ જણાવ્યું હતું કે, સંત સરોવર પાણીથી ભરાયેલ રહે તો સંત સરોવરની નજીકમાં આવેલા ૧૩ જેટલા ગામના પાણીના તળ ઉંચા આવશે. પાણીના તળ ઉંચા આવવાથી આસપાસના ટયુબવેલ ની વીજ માંગમાં પણ ધટાડો થશે. તેની સાથે સંત સરોવર ભરાયેલું રહે તો ઉપરવાસના ૫૦ ગામોને પણ પાણીનો લાભ થાય છે.
સંત સરોવર આસપાસનો વિસ્તાર ગ્રીન બનાવવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગ, સ્વામિનારાયણ મંદિર – અક્ષરધામ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની મદદથી વૃક્ષોનું વાવેતર કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સંત સરોવરની આસપાસના વિસ્તારની સફાઇ પણ કરવામાં આવશે.

Previous articleસ્વર્ણિમ સંકુલ ખાતે હેકાથોનના વિજેતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન
Next articleરોહીસા ગામે તળાવ ઉંડા ઉતારવાના કામમાં ૧ હજાર મજુરો કામે લગાડાયા