બાવળીયાળી પાસે ગોઝારો અકસ્માત ૨૦ ના મોત

0
840

તળાજાના સરતાનપર બંદર ગામના ર૭ મજુરો સિમેન્ટ ભરેલ ટ્રકમાં બેસી આણંદ મજુરી કામે જઈ રહ્યાં હતા : અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ફરાર બન્યો : ૭ વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતે સારવારમાં

ભાવનગર-અમદાવાદ રોડ પર બાવળીયાળી ગામ પાસે શુક્રવારે વહેલી પરોઢે સિમેન્ટ ભરેલ ટ્રકમાં બેસી મજુરી કામે જઈ રહેલ ર૭ મુસાફરો સાથેનો ટ્રક અકસ્માતે પલ્ટી ખાઈ જતા ર૦ શ્રમજીવીઓના કરૂણ મોત નિપજ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર-જિલ્લામાં ગમખ્વાર અકસ્માતોનું પ્રમાણ ભયજનક રીતે વધવા પામ્યું છે. આવા ગોઝારા અકસ્માતોના કારણે અનેક નિર્દોષ માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ જાય છે. જેના કારણે ગરીબ પરિવારોના માળા વેરવિખેર થઈ જાય છે. આજની બે માસ પૂર્વે ભાવનગર-રાજકોટ રોડ રંઘોળા ગામ પાસે જાનૈયા ભરેલ ટ્રક પલ્ટી ખાઈ જતા અનેક વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આવી જ ઘટનાનું ગત મોડીરાત્રિના પૂનરાવર્તન થતા ર૦ કમનસીબોએ જીવનથી હાથ ધોવા પડ્યા છે. વહેલી પરોઢે સર્જાયેલ આ અકસ્માતમાં બાળકો મહિલાઓ યુવાનોની મરણચીસથી શાંત વગડો ગાંજી ઉઠ્યો હતો. હૃદય કંપાવી દે તેવી આ અકસ્માતના ઘટનાક્રમ અંગે વિગત એવા પ્રકારની છે કે તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતો શ્રમજીવી યુવાન (મુકાદમ), મથુર કરશનભાઈ ડાભી ઉ.વ.ર૭ ગત તા.૧૮-પને શુક્રવારના રોજ રાત્રે ૧૧-૩૦ કલાકે વાગ્યાના સુમારે સરતાનપર તથા પાદરી ગામે રહેતા ર૭ જેટલા ખેતમજુરો જેમાં મહિલાઓ, બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે અને સાથે લઈ આણંદ જિલ્લામાં ફસલની લણણી-મજુરી કામ અર્થે કામચલાઉ ઘરવખરી સાથે તળાજા-પાલીતાણા ચોકડીએથી રાજુલાના કોવાયા એલ એન્ડ ટી કંપનીમાંથી સિમેન્ટ ભરી દહેજ તરફ જઈ રહેલ ટ્રક નં.જીજે૧૦ ટીવી ૬૭૧પમાં બેસી આણંદ જવા રવાના થયા હતા. આ ટ્રક ભાલ પંથકના બાવળીયાળી ગામ પાસે રાત્રે ર-૩૦ વાગ્યાના સુમારે પહોંચતા ટ્રક ડ્રાઈવરને ઉંઘનું ઝોકુ આવતા ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડ સાઈડમાં પલ્ટી ખાઈ જતા સિમેન્ટની બોરી તળે શ્રમિકો દબાઈ જતા વિરાન વિસ્તાર ઈજાગ્રસ્તોની કારમી ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ બનાવ સમયે રોડ પર પસાર થઈ રહેલ અન્ય વાહન ચાલકો તથા બાવળીયાળી ગામના સેવાભાવી યુવાનો મદદે પહોંચ્યા હતા અને તત્કાલ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ સમગ્ર બનાવ અંગેની જાણ ધોલેરા પોલીસ-ધંધુકા પોલીસને થતા પોલીસ કાફલો તથા ૧૦૮નો વિશાળ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી પરંતુ વજનદાર સિમેન્ટની બોરીઓ તળે દબાઈ જતા ઘટનાસ્થળે જ ર૦ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર નાસી છુટ્યો હતો. જ્યારે ૭ વ્યક્તિઓને ગંભીર ઈજા સાથે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાઈ જતા રાજકિય અગ્રણીઓ તથા કોળી સમાજના લોકો મોટીસંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બનાવને લઈને રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, મહા.પા. વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, નગરસેવક કાંતિભાઈ ગોહિલ અને અન્ય હોદ્દેદારો અને જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, એસ.પી. પ્રવિણસિંહ માલ, ડીવાયએસપી મનિષ ઠાકર સહિતના હોદ્દેદારો, અધિકારીઓ પહોંચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછી મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી હતી. તમામ મૃતકોના પી.એમ. બાદ પ્રાથમિક ઓળખ બાદ શખ્સોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

અકસ્માતમાં જીવ ગુમાવનારા હતભાગીઓ
કાજલબેન બારૈયા (ઉંમર વર્ષ ૨૨, રહે, તળાજા)
શોભાબેન મેર (ઉંમર વર્ષ, ૩૨, રહે. સરતાનપુર, તળાજા)
ભોલુ મેર (ઉંમર વર્ષ ૬, રહે. સરતાનપર, તળાજા)
પાયલબેન બારૈયા (ઉંમર વર્ષ ૨૫, રહે. પાદરી, તળાજા)
ભોલુભાઇ ડાભી (ઉંમર વર્ષ ૧૪, રહે. સરતાનપર, તળાજા)
મમતાબેન ચૌહાણ (ઉંમર વર્ષ ૧૭, રહે. તળાજા)
હરીભાઇ બારૈયા (ઉંમર વર્ષ ૨૮, રહે. પાદરી, તળાજા)
કાનુબેન વેગડ (ઉંમર વર્ષ ૫૦, રહે. પાદરી, તળાજા)
લખીબેન મકવાણા (ઉંમર વર્ષ ૫૨, રહે. સરતાનપર, તળાજા)
હંસાબેન બારૈયા (ઉંમર વર્ષ ૪૦, રહે. તળાજા)
કૈલાશબેન ડાભી (ઉંમર વર્ષ ૩૨, રહે. સરતાનપર, તળાજા)
આશાબેન ડાભી (ઉંમર વર્ષ ૪૦, રહે. સરતાનપર, તળાજા)
લાભુબેન ડાભી (ઉંમર વર્ષ ૫૦, રહે. પાદરી, તળાજા)
મયુરભાઇ ડાભી (ઉંમર વર્ષ ૩૩, રહે. સરતાનપર, તળાજા)
કમલેશ ભાઇ ડાભી (ઉંમર વર્ષ ૧૨, રહે. સરતાનપર, તળાજા)
હિરલબેન વેગડ (ઉંમર વર્ષ ૧૩, રહે. સરતાનપર, તળાજા)
મધુબેન ચુડાસમા (ઉંમર વર્ષ ૪૦, રહે. સરતાનપર, તળાજા)
ભુરાભાઇ મકવાણા (ઉંમર વર્ષ ૫૦, રહે. સરતાનપર, તળાજા)

અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેકને રૂ. ૪ લાખ, ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ-ભાવનગર માર્ગ પર બાવલીયારી ગામ નજીક ટ્રકના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યકિતઓ પ્રત્યે દિલસોજી અને શોકની લાગણી વ્યકત કરી છે. વિજયભાઇ રૂપાણીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યકિતઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ગંભીર દુર્ઘટના અંગે ટ્રક ચાલક-ટ્રક માલીકની સંપૂર્ણ તપાસ માટે પણ તંત્રવાહકોને સૂચના આપી છે.

રાજકિય અગ્રણીઓએ પાઠવ્યો સાંત્વનાનો સંદેશ
દુઃખદ અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, અમિત શાહએ ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે આ બનાવની જાણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને થતા તેમણે પણ ટ્‌વીટ કરી શોકની લાગણી દર્શાવી હતી. આ સાથોસાથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાઓએ ભારે આઘાત સાથે ખેદ વ્યક્ત કર્યો હતો.

શ્રમિક મૃતકોને મોરારિબાપુની સહાય
તા.૧૯-પ-ર૦૧૮ના રોજ ભાવનગર-અમદાવાદ માર્ગ પર બાવળીયાળી નજીક ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર અને ગોરખી ગામના ૧૯ શ્રમિકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ તરફથી શ્રી હનુમાનજીની પ્રસાદીરૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ હજારની તત્કાલ સહાય એટલે કે કુલ રૂપિયા ૯પ,૦૦૦ની સહાય રાશિ મોરારિબાપુએ મોકલાવેલ છે. મૃતકોના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી તેમની શ્રધ્ધાંજલી પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here