ગેરકાયદેસર ખનન પર બાજ નજર રાખવા ત્રિનેત્ર સર્વેલન્સનો પ્રારંભ : સ્થાપિત હિતોને મુખ્યમંત્રીની ચીમકી

0
624

રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી લાલ આંખ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ખાણ ખનિજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ પારદર્શક અને ભ્રષ્ટાચાર રોકવા માટે ચીકમી આપતાં જણાવ્યું હતું કે કેટલાક સ્થાપિત હિતો નવી સિસ્ટમને દાખલ થતાં પહેલાં અવરોધવાનું કામ કરે છે. પરંતુ જિલ્લે જિલ્લે ત્રિનેત્ર સર્વેલન્સમાં મકકમતાથી આગળ વધવાની સુચના તેમણે અધિકારીઓને આપી હતી.

મુખ્યમંત્રીએ આ આધુનિક ટેક્નોલોજી વિનિયોગને ‘ત્રિનેત્ર’-ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર કોઇ પણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ-નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે. ખનિજ ચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખનિજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કે રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનિજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેક્નોલોજીનો ઉપયોગ, સુસજ્જ મેનપાવર અને પારદર્શિતા-સંવેદનશીલતા માટે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો છે.

પોલીસ દળને પોકેટકોપથી સજ્જ કરીને ગુનેગારોના ડેટા હાથવગા બનાવ્યા છે તેની વિગતો આપતા ઉમેર્યું કે હવે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી આ જ પ્રકારે ખાણ ખનિજ વિભાગ પણ ગેરકાયદે ખનન-માફિયાઓને નશ્યત કરી શકશે.

મુખ્યમંત્રીએ ગુજરાત બે લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ખાણ-ખનિજ સંપદા ધરાવે છે તેના પર આ ત્રિનેત્રથી સતત વોચ રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં આ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ અને રાજ્યસ્તરે કમાન્ડ કંટ્રોલ રૂમ, વિજિલન્સ સઘન બનાવવાની નેમ દર્શાવી હતી. રાજ્ય સરકારના અન્ય વિભાગો પાણી પૂરવઠા, માર્ગ-મકાન વગેરેને પણ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી સાંકળી લેવાય તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતે કરેલી આ પહેલ દેશ માટે દિશા દર્શક બનશે. આ પાયલોટ પ્રોજેક્ટ તહેત પ્રારંભિક તબક્કે સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર જેવી મોટી નદીઓમાંથી થતી બિન અધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિઓ પર ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની પણ તેમણે ભૂમિકા આપી હતી. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના કમિશનર રૂપવંત સિંહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ઉપલબ્ધ છે.

રાજ્યના તમામ ખનિજ વિસ્તારોમાં ઓનલાઇન હરાજીથી જ નિકાલ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે અને રાજ્ય સરકારે ખૂબ ઝડપથી આ અંગેની વ્યવસ્થા ઊભી કરીને સમગ્ર રાજ્યમાં ૬૮૬ જેટલા જુદા જુદા ખનિજોના બ્લોક હરાજી માટે તૈયાર કરી દીધા છે.

આગામી સમયમાં આ બધા જ વિસ્તારો હરાજીથી નિકાલ થશે, રાજ્યનો વિકાસ આંક પણ માઇનીંગ સેક્ટરના કારણે આગળ આવશે એટલું જ નહિં, રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે.

કચ્છ જિલ્લામાં લાઇમ સ્ટોન ખનિજના ત્રણ મોટા વિસ્તારોનો ગત વર્ષે હરાજીથી નિકાલ કરવામાં સફળતા મેળવી છે, જેના કારણે આવનારા ભવિષ્યમાં રાજ્યને નવ હજાર કરોડ જેટલી માતબર આવક રોયલ્ટી અને પ્રિમિયમના માધ્યમથી થશે.

ખનિજ ખોદકામ અને વહનમાં ગેરરીતિઓ નામશેષ કરવા માટે ખનિજ વિસ્તારોનું માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત ખનિજોનું કાયદેસર વહન થાય અને તેમાં કોઇ પણ ગેરરીતિને અવકાશ ન રહે તે માટે બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે. રૂપવંત સિંહે બિન અધિકૃત ખનનને રોકવા માટે સરકાર દ્વારા અમલી બનાવે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમની વિસ્તૃત ટેકનિકલ જાણકારી નિદર્શન દ્વારા આપી હતી.

 

ભાડે લીધેલ ડ્રોનની ક્ષમતા વિશે શંકા : પ્રારંભે જ ફીયાસ્કો

ગેરકાયદેસર ખનન માટે ભાડે લેવાયેલ ડ્રોન માટે કમીશનર રૂપવંત સિંહે તો જણાવ્યું કે મોટું ડ્રોન છેક વાહનની નંબર પ્લેટ પણ વાંચી શકાય તેવું સ્પષ્ટ પરીણામ આપે છે. પરંતુ આ ડ્રોનનુ પરીક્ષણ મુખ્યમંત્રીએ ઈચ્છા વ્યકત કરતા નિષ્ફળ ગયું હતું. એટલે ભાડે આપનાર કંપનીના ડ્રોનની ક્ષમતા અંગે અનેક સવાલો ઉઠયા હતા.

રાજકીય લાભ મેળવવા કેટલીકવાર મીલીભગતથી ઓનલાઈન – ઓનપેપર સારું સારૂ બતાવી લાખો રૂપિયા સરકાર પાસે પડાવનાર અધિકારીઓના ભૂતકાળમાં અનેક દાખલા બનેલા છે. ત્યારે આ કંપનીના ભાડે લીધેલ ડ્રોન બાબતે આ વાત સાચી તો નથીને ? ભ્રષ્ટાચાર રોકવા વધુ એક ભ્રષ્ટાચાર કરવો એવું તો નથીને તેવા સવાલો ઉઠયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here