બોરીજમાં દબાણકારોને નોટિસોઃ મકાનો ખાલી કરી દેવા પડશે

1656

બોરીજમાં મંત્રી નિવાસની નજીક સુધી પહોંચી ગયેલા પાકા મકાનના દબાણો પર તવાઈ આવશે. હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપ્યા બાદ પાટનગર યોજના દ્વારા કેવિયેટ પણ દાખલ કરી દેવામાં આવી છે. સાથોસાથ તમામ દબાણકારોને ફરી એકવાર નોટિસો ફટકારવામાં આવી છે. અને આગામી ૩૦ મે સુધીમાં મકાનો ખાલી કરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે. અહીં સરકારી જગ્યા પર પાકા મકાનો ઉભા થઈ ગયા હતા. જોતજોતામાં આ વિસ્તારમાં સંખ્યાબંધ ગેરકાયદે મકાનોના દબાણ થઈ ગયા અને તંત્ર ઉંઘતું રહ્યું. તંત્ર જાગ્યુ તે પણ ૨૦ વર્ષ પછી અને હવે દબાણો તોડી પાડીને સરકારી જગ્યા પર કબજો મેળવશે. હાઈકોર્ટના આદેશ અનુસાર દબાણવાળી જગ્યા ખાલી નહીં કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માર્ગ મકાન વિભાગ દ્વારા તાકિદ કરવામાં આવી છે. બોરીજમાં થોડાક દિવસો અગાઉ પાટનગર યોજના સહિતના વિભાગો દ્વારા ૨૫૩ જેટલા ગેરકાયદે મકાનમાલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ દબાણો તોડી પાડવા માટે તંત્ર સ્થળ પર ત્રાટક્યું હતું. પ્રથમ દિવસે જ તંત્ર દ્વારા ૫૦ જેટલા મકાનો તોડી પાડયા હતા દરમિયાન હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર આવી જતાં કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. જે લોકોએ હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા તેમને તે પછી ધોબી પછડાટ મળી છે. હાઈકોર્ટમાં જુદીજુદી ત્રણેક જેટલી અરજીઓ પર સુનવણી કરવામાં આવી અને સરકારી જગ્યા પર દબાણ ચલાવી ન લેવાય તેમ જણાવીને તમામ અરજીઓને ફગાવી દીધી હતી. અને અરજદારોને ૩૧ મે સુધીનો સમય મકાન ખાલી કરવા માટે આપવામાં આવ્યો હતો. આ અલ્ટીમેટમ પુરું થવાને આડે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. દરમિાયન પ્રાપ્ત વિગત મુજબ પાટનગર યોજના દ્વારા પણ આ પ્રકરણમાં બીજી કોઈ અડચણ આડે ન આવે તે માટે થઈને કેવિયેટ દાખલ કરી દેવામાં આવી છે. અગાઉ જે ૨૫૩ પાકા મકાનના દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી તે તમામને ફરીથી નોટિસ ફટકારીને મકાનો ૩૧ મે સુધીમાં ખાલી કરી દેવા માટે જણાવી દેવાયું છે. આ નોટિસને લઈને બોરીજમાં માહોલ ગરમાયો છે. જે લોકોના મકાનોના દબાણ છે તે તમામને હવે મકાન ખાલી કરી દેવા સિવાય અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. તો બીજીબાજુ કેટલીક સામાજિક સંસ્થાઓ તેમની વ્હારે આવી હોય તેવું દેખાય રહ્યું છે. તંત્ર દબાણો તોડી નાંખવા મક્કમ છે. અને ૩૦ મેની મુદત પુરી થવા સાથે જ બીજા દિવસે એટલેકે ૩૧ મે અથવા ૧લી જુન સુધીમાં જેસીબી સાથે સ્થળ પર પહોંચી જશે. અને પાકા દબાણોનો કડુસલો બોલાવી દેશે.

 

Previous articleસિહોરમાં મકાનની પીલર પડતા શ્રમિક યુવાનનું મોત
Next articleરખિયાલ નજીકથી ૭૫ હજારનો દારૂ ઝડપાયો