વીજ ઉત્પાદનમાં સરપ્લસના દાવા કરતી સરકારની પોલ ખુલ્લી પડી

1448

વીજ ઉત્પાદનમાં સરપ્લસના દાવા કરતી ગુજરાત સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે. અત્યારે સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ- જીયુવીએનએલ દ્વારા ૨,૫૦૦થી ૨,૮૦૦ મેગાવોટ વીજળી ભારતીય પાવર એક્સ્ચેન્જ તથા બીજાં સ્રોતો પાસેથી મેળવાઈ રહી છે, જે રાજ્યની વીજ જરૂરિયાતના ૧૮ ટકા જેટલી છે.

રસપ્રદ એ છે કે, ગુજરાત પાસે કુલ ૨૬,૮૫૦ મેગાવોટની ઉત્પાદન ક્ષમતા હોવા છતાં અને અત્યારે મહત્તમ માગ ૧૬ હજાર મેગાવોટ જેટલી રહેતી હોવા છતાં ગુજરાતને બહારથી યાને પાવર એક્સ્ચેન્જ તથા અન્ય ર્સોસિસમાંથી મેળવવી પડી રહી છે.

ઉત્પાદન ક્ષમતા ઊંચી હોવા છતાં વીજળી બહારથી ખરીદવી પડી રહી છે, કેમ કે ગેસ આધારિત પાવર મથકો અત્યારે બંધ હાલતમાં છે અથવા તો ખૂબ જ નીચી ક્ષમતા વપરાશે ચાલી રહ્યાં છે.

તદુપરાંત રાજ્ય સરકારની માનીતી કંપનીઓ-અદાણી ૨,૦૦૦ મેગાવોટ અને એસ્સાર ૧,૦૦૦ મેગાવોટ વીજળી આપતી નથી. કમનસીબી એ છે કે, અદાણી પાવર લિમિટેડ દ્વારા અત્યારે ૫૦૦ મેગાવોટનું વીજ ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપની પીપીએ ભંગ કરીને આ વીજળી બીજાંને વેચી રહી છે. ગુજરાત સરકાર અને કઠપૂતળી બનેલાં જર્ક સાથે અદાણીનું મેળાપીપણું હોવાથી કોઈ જ પગલાં લેવાતા નથી અને વીજ ગ્રાહકોને કરોડોનો બોજો સહન કરવો પડી રહ્યો છે.

પીપીએ ભંગ કરી રહેલી અદાણી પાવર લિમિટેડને ગુજરાતમાં થર્મલ, સોલર, પવન એમ કોઈ પણ વીજ ખરીદીની ટેન્ડર પ્રક્રિયામાંથી બાકાત કરી તેને બ્લેકલિસ્ટ કરવા જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગ થઈ રહી હોવા છતાં એ રજૂઆતો તરફ જાણીબૂજીને દુર્લક્ષ અપાઈ રહ્યું છે.

Previous articleઇડરના ગાંઠીયોલ ગામે એક જ ફળિયામાં ૧૬ જણને ફૂડ પોઇઝનીંગ
Next articleસુજલામ સુફલામ અભિયાનની પૂર્ણાહુતિ છત્રાલ ખાતેઃતૈયારી પુરજોશમાં