રાજ્યમાં ૧૦મી જૂનથી વિધિવત ચોમાસાના પગરણ

2113

પ્રાકૃતિક પ્રતિકૂળતાઓને પહોંચી વળવા સજ્જ વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચોમાસાની સમીક્ષા : ૧૧ થી ૧૩ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના

રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આજે વેધર વોચ ગ્રુપની પહેલી બેઠક મળી હતી. અતિવૃષ્ટિ કે અન્ય કોઇ પણ પ્રાકૃતિક પ્રતિકૂળતાઓને પહોંચી વળવા તૈયાર એવા વિવિધ વિભાગોના જવાબદાર અધિકારીઓના બનેલા વેધર વોચ ગ્રુપની આ બેઠકમાં રાહત નિયામક અને અધિક સચિવ સતીષભાઇ પટેલે આગામી ચોમાસાના સંદર્ભે વિવિધ વિભાગોની સજ્જતાની સમીક્ષા કરી હતી.

ભારત સરકારના હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. જયંતા સરકારે આ બેઠકમાં જણાવ્યું હતું કે, તા.૧૧મી જૂનથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના જિલ્લાઓથી ચોમાસાની વિધિવત શરૂઆત થવાની સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનો આરંભ થતો હોય છે, પરન્તુ આ વર્ષે ચોમાસું થોડું વહેલું શરૂ થશે, એટલું જ નહીં આ ચોમાસું ૯૯ ટકા વરસાદની સંભાવના સાથેનું સારું ચોમાસુ હશે.

ડૉ. જયંતા સરકારે જણાવ્યું હતું કે, તા.૧૦મી જૂનથી સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેખાશે, અને વરસાદની સંભાવના વર્તાશે. તા. ૧૧મી જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં પણ વરસાદ પડશે. તા.૧૨મી જૂનથી ગુજરાતમાં ચોમાસુ વધુ પ્રભાવક બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કયાંક છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ જોવાઇ રહી છે. જ્યારે તા.૧૩મી જૂને દક્ષિણ ગુજરાતમાં સુરત સુધીના વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે. આમ ગુજરાતમાં ૧૦મી જૂનથી વરસાદની સંભાવના જોવાઇ રહી છે.

રાહત નિયામક સતીશભાઇ પટેલે આગામી ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય તો વહીવટી તંત્રની સજ્જતા શું છે એની સમીક્ષા કરી હતી. એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ., ભારતીય સેના, ગુજરાતના ફાયર બ્રિગેડ ઉપરાંત સિંચાઇ વિભાગ, માર્ગ-મકાન વિભાગ, કૃષિ વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, ઊર્જા વિભાગ, બાયસેગ, સેપ્ટ, જેવા વિભાગો અને સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓએ પોતપોતાના વિભાગોની સજ્જતા વિષે જાણકારી આપી હતી. ઘણા વિભાગોમાં તા.૧લી જૂનથી ૨૪ કલાક ચાલતા કંટ્રોલરૂમ શરૂ થઇ ગયા છે.  રાહત નિયામક અને નાયબ સચિવ જી.બી.મુંગલપરાએ પણ આ બેઠકમાં ચોમાસામાં અતિવૃષ્ટિમાં પહોંચી વળવા  માટેની આવશ્યક સજ્જતા વિષે વિગતો આપી હતી. વેધર વોચ ગ્રુપની બેઠક દર મંગળવારે મળશે.

Previous articleઅમે પ્લાસ્ટિકના વિરોધી નથી : રૂપાણી
Next articleચોમાસાની ઘડીયુ ગણાય રહી છે ત્યારે તાપમાન ૪૧ ડિગ્રી