સઇજ ગામ ખાતે સુનૈયના તોમરના હસ્તે બાળકોની પ્રવેશવિધી સંપન્ન

1582

વિધાર્થીઓ વાલીઓની વાત કરતાં પોતાના શિક્ષકની વાતને વઘુ માને છે. તેમજ શિક્ષકોના માર્ગદર્શનને અનુસરે છે. જેથી સારા સમાજનું અને બાળકોનું ધડતર કરવામાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે, તેવું સઇજની સ્વામિનારાયણ સ્કુલમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનૈયના તોમરે જણાવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનૈયના તોમરે જણાવ્યું હતું કે, બાળકોને સારું શિક્ષણ આપવા માટેની જવાબદારી વાલીઓ અને શિક્ષકોના શીરે વધુ છે, આ બન્ને જાગૃત હશે, તો શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવશે. શિક્ષણ થકી જ સમાજમાં પરિવર્તન આવશે, તેવું કહી વાલીઓને દીકરીઓને શિક્ષણ આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. શિક્ષણ થકી દેશ કેવો વિકાસ કરી શકે છે, તેની પણ દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. શિક્ષક અને વિધાર્થીઓ એકબીજા સાથે લાગણીથી બંધાયેલા હશે, તો શિક્ષકોને વિધાર્થીને શિક્ષણ આપવામાં વધુ સરળ રહેશે. શિક્ષકોને વિધાર્થીઓને કોઇ પણ વિષયનું જ્ઞાન ઉંડાણ પૂર્વક આપવાથી શું ફાયદાઓ થાય છે, તેની પણ વિસ્તૃત વાત કરી હતી.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનૈયના તોમરના હસ્તે સઇજ સાર્વજનિક વિધાલય ખાતે આંગણવાડીમાં ૧૭, સઇજ પ્રાથમિક શાળામાં ધોરણ-૧ના ૫૬, અયોધ્યાનગર પ્રાથમિક શાળાના ધોરણ-૧ના ૧૦ તથા સઇજ સાર્વજનિક વિધાલયમાં ધોરણ-૯માં ૭૯ વિધાર્થીઓની પ્રવેશવિધી સંપન્ન થઇ હતી. તેમજ સ્વામિનારાયણ હાઇસ્કુલ, સઇજ ખાતે યોજાયેલ સમારંભમાં આંગણવાડીના ૩, ધોરણ-૧માં ૪૧ તથા ધોરણ-૯માં ૬૦ બાળકોને પણ શ્રીમતી સુનૈયના તોમરે મીઠો આવકાર આપીને પ્રવેશવિધી સંપન્ન કરાવી હતી. આ પ્રસંગે બન્ને શાળાના પ્રટાંગણમાં તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અગ્ર સચિવ સુનૈયના તોમરના હસ્તે બન્ને શાળામાં ધોરણ-૩ થી ૮ના કલાસમાં પ્રથમ નંબરે આવનાર વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં વિવિધ ચીજ-વસ્તુઓ સહિત અન્ય દાન કરનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા યોગ, અમૃતવાળી જેવા કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને શાળાના વિધાર્થીઓ દ્વારા જ સંચાલન કરવામાં આવ્યું હતું.

Previous articleગાંધીનગરના કુડાસણ ખાતે સેવન વન્ડર હોટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Next articleક્ષય વિભાગનો મામલો કલેક્ટર કચેરીમાં, આવેદન પત્ર પાઠવ્યુ