ચાંદખેડાના બંગલામાં હથિયારધારી ગેંગ ત્રાટકીઃ પરિવાર પર હુમલો કરી લૂંટ

1293

શહેરમાં ફરી એકવાર હથિયારધારી લૂંટારુ ટોળકી સક્રિય બની છે. છેવાડે આવેલા વિસ્તારોને ટાર્ગેટ બનાવી ટોળકી પરિવારજનોને માર મારી લૂંટફાટ કરી ફરાર થઈ જાય છે. નારોલ અને સરખેજ વિસ્તારમાં હથિયારધારી લૂંટારુ ટોળકીના આતંક બાદ હવે ચાંદખેડા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી લૂંટારુ ટોળકીએ ત્રાસ વર્તાવ્યો છે.ચાંદખેડા ગામની પાછળ આવેલા આમ્રકુંજ બંગલોઝમાં રવિવારે મોડી રાતે હથિયાર સાથે આવેલી ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ત્રાટકી રૂ. ૩૦ હજારની મતાની લૂંટ ચલાવી હતી. પરિવારજનો જાગી જતાં લૂંટારુઓએ પથ્થરમારો પણ કર્યો હતો. ચાંદખેડા પોલીસે આઠ લૂંટારુઓ વિરુદ્ધ ધાડનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ચાંદખેડા ગામની પાછળ આવેલા આમ્રકુંજ બંગલોઝના ત્રણ નંબરના બંગલામાં પ્રેમકુમાર અવસ્થી (ઉ.વ.૪૯) તેમના પરિવાર સાથે રહે છે. તેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ હાલ સાણંદ ખાતે આવેલી વીઆટ કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે.શનિવાર રાતે પરિવારના સભ્યો જમીને ઉપરના માળે સુઈ ગયા હતા. દરમ્યાનમાં વહેલી સવારે ત્રણેક વાગ્યાની આસપાસ તેમના મકાનનો દરવાજો કોઈ ખોલતું હોય તેવું પ્રેમકુમારને લાગ્યું હતું. તેમણે નીચે આવીને જોતાં ચડ્ડી બનિયાનધારી ચાર માણસો તેમને ઊભેલા દેખાયા હતા. મુખ્ય દરવાજાનો સેફટી ડોર ખુલ્લો હતો. જેથી પ્રેમકુમારે ચોર ચોરની બૂમો પાડી હતી.

મુખ્ય દરવાજાની બહાર આવતાં આઠેક જેટલા હથિયારધારી લોકો ઊભા હતા અને તેમણે પ્રેમકુમારને પથ્થરો માર્યા હતા. બુમાબુમ થતાં તેમનાં પત્ની અને પુત્ર અક્ષલ પણ બહાર દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોએ લૂંટારુઓને પડકારતાં જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.દરમ્યાનમા બે લૂંટારુઓ પ્રેમકુમારનાં પત્ની સ્નેહલતાની પાસે આવ્યા હતા અને હાથમાં જોરથી દંડો મારી ઇજા પહોંચાડી હતી. ઇજા થતાં તેમનું બેલેન્સ રહ્યું ન હતું અને લૂંટારુઓ સ્નેહલતાના ગળામાં રહેલી સોનાની ચેઈન રૂ. ૩૦ હજારની લૂંટી લીધી હતી. બુમાબુમ થતાં આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા.

લોકોને આવતા જોઈ ચડ્ડી બનિયાનધારી ટોળકી નાસી ગઈ હતી. પથ્થરમારામાં અક્ષલ અને સ્નેહલતાને શરીરના ભાગે ઈજાઓ થઇ હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતાં. પોલીસને જાણ કરાતાં ચાંદખેડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

લૂંટારુ ટોળકીએ દરવાજો તોડી અને અંદર પ્રવેશ કરતાંની સાથે જ પરિવારજનો જાગી જતાં મોટી ચોરી થતાં અટકી ગઈ હતી. ચાંદખેડાના પોશ બંગલોઝમાંના એક ગણાતા એવા આમ્રકુંજ બંગલોઝમાં ચોરીનો આ પહેલો બનાવ નથી. ગત ડિસેમ્બર માસમાં ચોર ટોળકી અરવિંદભાઈ પટેલના બંગલોઝમાં ત્રાટકી હતી અને લાખો રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ સહિતની મતાની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી.બંગલોઝમાં સેફટી ડોર હોવા છતાં ચોર ટોળકી આ દરવાજાને તોડી અંદર પ્રવેશી ચોરી કરવા સફળ થઇ જાય છે. બંગલોઝમાં બેથી ત્રણ વખત ચોરીના બનાવો બની ચુક્યા હોવા છતાં ફરી ચોરી-લૂંટની ઘટના બનતાં બંગલોઝમાં સિક્યોરિટી પર સવાલ ઊભા થયા છે.ભોગ બનનાર પરિવારજનોએ જણાવ્યું હતું કે મોંઢે રૂમાલ બાંધેલા અને ચડ્ડી બનિયાનધારી લૂંટારુઓને જોઈ જતાં તેઓએ પથ્થરમારો કર્યો હતો. બંગલાની સામે લાગેલા સીસીટીવી કેમેરા પણ લૂંટારૂઓએ તોડી નાખ્યા હતા. બે સિક્યુરિટી ગાર્ડ સોસાયટીમાં છે પરંતુ તેઓ બંગલાની આગળના ગેટ પર બેઠા હતા.

શહેરમાં હવે હથિયારધારી લૂંટારુ ટોળકી સક્રિય બનતાં છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે ભયનો માહોલ ઉભો થયો છે. નારોલના લાંભા ગામ પાસે આવેલાં છાપરાંમાં હથિયારધારી લૂંટારુ ટોળકીએ યુવતી પર બળાત્કાર ગુજારી અને લૂંટ ચલાવી હતી જયારે સરખેજમાં પણ હથિયારધારી ટોળકીએ દરવાજો તોડી બે લોકોને ઇજા કરી લૂંટ કરી હતી. બંને લૂંટમાં પોલીસ હજી સુધી ટોળકીને પકડવામાં સફળ નથી થઇ.

છેવાડાના વિસ્તારોને ટાર્ગેટ કરી લૂંટ કરવા માટે મધ્યપ્રદેશ અને દાહોદ તરફની ગેંગ સક્રિય બની હોવાની પૂરેપુરી શક્યતા છે. બળાત્કાર કરી અને લૂંટ તેમજ પરિવારો પર હુમલા કરી અને લૂંટ ચલાવવાની ગંભીર ઘટનાઓ બની હોવા છતાં શહેર પોલીસ આ મુદ્દાને સાવ સામાન્ય ગણી માત્ર તપાસનું નાટક કરી રહી છે.ફરી એકવાર હથિયારધારી લૂંટારુ ટોળકીએ તરખાટ મચાવતા જાંબાઝ કહેવાતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ આ ટોળકીને ઝડપવામાં સફળ થાય છે કે માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કરશે?

Previous articleસે.-૫ના બગીચામાં બાંકડા મૂકાયા
Next articleરાજ્યના વીજમથકોમાં ૪‘દિ ચાલે તેટલો જ કોલસો, કેન્દ્ર ફાળવતું નથી