ડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ

1479

રાજ્યના લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.  ત્યારે ડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્‌યો છે. વાત કરીએ તો ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગના વઘઇમાં ૫૫ મીમી તો આહવામાં ૨ મીમી વરસાદ નોંધાવ્યો હતો. તો તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, વાલોડમાં છુટોછવાયો વરસાદ પડ્‌યો હતો.  સાબરકાંઠાના પોશિનામાં વરસાદની પધરામણી થઇ હતી. સમગ્ર વિસ્તારમાં હળવા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.

દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પણ આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા જેમાં વડાલી વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૪૦.૩ ડિગ્રી રહ્યું હતું. આજે રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૦થી ઉપર રહ્યો હતો જેમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વીવીનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ પારો ૪૦થી ઉપર રહ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ આગામી ૪૮ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પારો ૪૦થી ૪૧ની વચ્ચે રહી શકે છે.  હવે હવામાન ખાતાએ ફરી નવી આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી અને તા. ૨૬ જૂનની આસપાસ વરસાદ પડી શકે છે. આઈએમડી રિજનલ ડિરેક્ટર, જયંત સરકારે કહ્યું હતું કે, અત્યારે રાજ્યના દરિયાકાંઠે એવી કોઈ સિસ્ટમ રચાઈ રહી નથી કે જેના કારણે બે-ત્રણ દિવસમાં વરસાદ આવી શકે. જો કે, એનો મતલબ એવો નથી કે ચોમાસું નબળું પડી ગયું છે. પરંતુ વાસ્તવમાં ચોમાસું થોડુંક મોડું પડી રહ્યું છે અને આમેય ગુજરાતમાં તો જૂનના છેલ્લા સપ્તાહ સુધીમાં જ ચોમાસું બરાબર બેસતું હોય છે એટલે અત્યારે ચોમાસું મોડુ છે એવું તો ન જ કહી શકાય. આ સંજોગોમાં લોકોમાં ભારે ઉકળાટ જોવા મળશે. હવામાન વિભાગની યાદી અનુસાર ચાલુ વર્ષે અત્યારસુધીમાં માત્ર દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં અનુક્રમે ૮.૪ મિમિ અને ૭ મિમિ જ વરસાદ પડ્‌યો છે. તદુપરાંત સૌરાષ્ટ્રના મહુવામાં ૩.૨ મિમિ, ઓખામાં ૦.૫ મિમિ અને વેરાવળમાં ૦.૨ મિમિ વરસાદ પડ્‌યો છે. રાજ્યના મહેસુલ વિભાગના આંકડાઓ અનુસાર તા.૧૯ જૂન, ૨૦૧૭ સુધીમાં ગુજરાતમાં ૫.૩ મિમિ વરસાદ પડ્‌યો હતો.

જ્યારે ૨૦૧૬માં તા.૨૧ જૂને રાજ્યમાં પહેલો વરસાદ આવી ગયો હતો પરંતુ આ વખતે ખરેખર ચોમાસુ વિલંબિત થયું છે, જેને લઇ નાગરિકો અધીરા અને ઉદાસીન બન્યા છે, તો રાજયના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગુજરાતમાં મોનસુનની એન્ટ્રીને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.

Previous articleવડોદરામાં નવમાં ધોરણના વિદ્યાર્થીની ઘાતકી હત્યા, હત્યારો સ્કૂલનો જ સ્ટૂડન્ટ હોવાની શંકા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે