અન્ય શહેરોની સરખામણીમાં ભાવનગર ખૂબ જ પાછળ : ચેમ્બર પ્રમુખ

1361

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ૭પમી વાર્ષિક સાધારણ સભા શિવશક્તિ હોલ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ડો.જૈમીનભાઈ વાસાના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ. આ પ્રસંગે કી નોટ સ્પીકર તરીકે બીએપીએસના સંત આત્મતૃપ્તસ્વામી ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભટ્ટે સ્વાગતની સાથોસાથ તેઓના બે વર્ષના કાર્યકાળ દરમ્યાન ભાવનગર અને વેપાર ઉદ્યોગના વિકાસ માટે થયેલ કામગીરીની રૂપરેખા આપેલ. આ પ્રસંગે નવા વરાયેલ પ્રમુખ સુનિલભાઈ વડોદરીયાએ વિધિવત રીતે પદગ્રહણ કરેલ.

નવા વરાયેલા પ્રમુખ સુનિલભાઈ વડોદરીયાએ તેમના પ્રવચનમાં જણાવેલ કે, અન્ય શહેરોની સરખામણીમાં ભાવનગર ખૂબ જ પાછળ છે. ભાવનગરના વિકાસ માટે સહીયારા પ્રયત્નોની ખૂબ જ આવશ્યકતા છે. તેઓએ ભાવનગરના વિકાસ માટે ભાવનગર-પીપળી ફોરલેન, લાંબા અંતરની ટ્રેઈનો, ભાવનગર-સુરત ડેઈલી ટ્રેન, જાહેર થયેલ નવી માઢીયા તથા નારી જીઆઈડીસીની સત્વરે સ્થાપના, ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને હજીરા અને મુંબઈ સુધી લંબાવવા અને રો પેક્સ તુરંત ચાલુ થાય, દેવલા-ગુંદાળા બ્રીજ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલની સ્થાપના જેવા અનેકવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થાય તો ભાવનગરનો ઝડપી વિકાસ શક્ય બને તેમ જણાવી સહીયારા પ્રયત્નોની આવશ્યકતા પર ભાર મુકેલ.

આ પ્રસંગે કી નોટ સ્પીકર આત્મતૃપ્ત સ્વામીએ સ્ટ્રેસ વિશે પ્રવચન આપતા જણાવેલ કે માનવીની અપેક્ષાઓ દીન-પ્રતિદિન વધતી જાય છે. એટલે માનવી સતત સ્ટ્રેસમાં રહે છે. તેઓએ જણાવેલ કે ઈશ્વર આપણને રોજની ૮૬,૪૦૦ સેકન્ડ આપે છે તે ક્ષણેક્ષણનો સદઉપયોગ કરવો જોઈએ. સમય અને આયોજન પ્રમાણે કાર્ય કરીએ તો સ્ટ્રેસ ન આવે, નકારાત્મકતા દુર કરી બીજાના સુખમાં આપણું સુખ તે રીતે કાર્ય કરવું જોઈએ. યોગી બને તેને શાંતિ હોય તેમ વેપારી પણ યોગી બની શકે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને એકસેલ ક્રોપ કેર લી. તરફથી પ્રતિ વર્ષ આપવામાં આવતો વર્ષ ર૦૧૭-૧૮નો સર પ્રભાશંકર પટ્ટણી એકસેલ એવોર્ડ ઓફ એક્સેલેન્સ જળસંચય-રીચાર્જીંગ આ ક્ષેત્રે નમુનેદાર કામ કરનાર ભાવનગર જિલ્લાની પ્રતિષ્ઠિત સંસ્થા ગ્રામ નિર્માણ સમાજ-મહુવા તથા સરદાર યુવા મંડળ-ભાવનગરને સંયુક્ત રીતે મુખ્ય મહેમાન ડો.જયમીનભાઈ વાસા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવેલ.

અતિથિ વિશેષ તરીકે પધારેલા સાંસદ ભારતીબેન શિયાળે જણાવેલ કે, કનેકટીવીટીની બાબતમાં ભાવનગર ખૂબ જ પછાત છે. બોટાદ-ગાંધીગ્રામ તથા ઢસા-જેતલસર બ્રોડગેજનું કાર્ય તથા ભાવનગર-સોમનાથ અને ભાવનગર-પીપળી હાઈવેનું કામ પૂર્ણ થશે. એટલે કનેકટીવીટી વધશે. ભાવનગર-મુંબઈના ફલાઈટના સમયમાં ફેરફાર થાય તે માટેના તેઓના પ્રયત્નો શરૂ છે.

આ પ્રસંગે મેયર મનહરભાઈ મોરી, પૂર્વ સાંસદ તથા એનબીસીસીના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ રાણા, અલંગ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટીના ચેરમેન ગીરીશભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ. ગાંધી, ડીડીઓ વરૂણકુમાર બરનવાલ, પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, શીપ રીસાયલીંગ એસોસીએશનના પ્રમુખ સંજયભાઈ મહેતા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયર અશોકભાઈ બારૈયા, ડીવાયએસપી મનિષભાઈ ઠાકર સહિતના વગેરે મહાનુભાવો હાજર રહેલ.

Previous articleપ્રજાપતિ સમાજ દ્વારા ચોપડા વિતરણ
Next articleભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન