જિલ્લાના ૩ તાલુકામાં વાવણી લાયક મેઘ મહેર

2202

ભાવનગર શહેર તથા ૩ તાલુકા વરસાદ થતા લોકોના હૈયે હાશકારો થયો છે અને ખેડુતો આગામી દિવસોમાં વાવણી કાર્યમાં જોતરાશે.

કાગાડોળે રાહ જોઈ રહેલ મેઘરાજાની રાહ અને બળબળતા તાપથી રાહત મળે તેવા સમાચાર આવ્યા છે આજે ભાવનગર શહેર ઉપરાંત તળાજા, મહુવા તથા જેસર પંથકમાં ધીમી ધારે વરસાદ થતા ગરમીથી રાહત મળતા પામી છે તો આગામી દિવસોમાં ભરપૂર વૃષ્ટિ થાય તેવી કામના લોકો કરી રહ્યા છે.

સૌ પ્રથમ વાત તળાજા તાલુકાની તો સવારથી બપોર સુધી અસહ્ય બફારા બાદ આકાશ કાળા ડીંબાગ વાદળોથી ઘેરાઈ જવા પામ્યુ હતું અને જોત જોતામાં નેવાધાર મેઘ મંડાયો હતો તળાજા, તથા પસવી, ભૂગંર, બોરડા, મથાવડા, અલંગ સથરા સહિત અનેકગામોમાં એકથી દોઢ ઈંચ જેવો વાવણી લાયક વરસાદતો બીજી તરફ મહુવા તાલુકા તથા શહેરમાં પણ બપોરબાદ પ્રથમ ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ સતત દોઢથી બે કલાક દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થતા ચોમેર પાણી પાણી થઈ જવા પામ્યુ હતું. મહુવા તાલુકાના ચોથા, બગદાણા, વાવડી, ઠળીયા, નવાગામ, ટીટોડીયા, માતલપર, મોણપર, જાંબુડા, ૨ ઈંચ જેવા વરસાદના કારણે નહી, નહેરાઓમાં નવાનીર વહેતા થયા હતા જેને લઈને ખેડુતોના મન હરખાઈ ઉઠ્યા હતા સારા વરસાદના કારણે કાલથી ધરતી પૂત્રો વાવણી કાર્યના શ્રીગણેશ કરશે તો એવી જ રીતે સતત બીજા દિવસે પણ જેસર તાલુકા પર મેંઘરાજા મહેરબાન થયા હતા જેસર તથા આસપાસના નાના-મોટા તમામ ગામડાઓમાં થોડા ઘણા અંશે વરસાદ થયો હતો. સતત બે દિવસના વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી. ગ્રામ્ય પંથકમાં પ્રથમ વરસાદે જ વિજળી વેરણ બની હતી અને લાંબા સમય સુધી રીસાઈને રહી હતી.

Previous articleબિસ્માર રસ્તાઓની જવાબદારી એન્જીનિયરની : ગુજરાત હાઈકોર્ટ
Next articleસોશ્યલ મિડીયા પર ફરતાં વિડીયો તદ્દન ખોટા : એસ.પી