પેથાપુરમાં વીજ વાયરથી કરંટ લાગતા વૃદ્ધાનું મોત નિપજ્યું

1218

ચોમાસાની શરૂઆત થવાની સાથે જ વીજળીના ધાંધિયા શરૂ થઇ જતા હોય છે. શહેર પાસેના પેથાપુરમાં વસાહતીઓની રજૂઆતને પણ અધિકારીઓ ધ્યાને લેતા નથી. ગુરૂવારે સવારે ૭૭ વર્ષિય એક વૃદ્ધા કપડા સુકવવાના વાયરમાંથી વીજ પ્રવાહ પસાર થતા તેને અડકી જતા મોત નીપજ્યું હતુ.

પેથાપુરના ચકલાવાળી કુવી પાસે વાંટામા આઠથી દસ મકાનોમાં પતરાના-કાચા મકાનોમાં નાગરિકો વસવાટ કરે છે, જ્યાં ઉપરથી પસાર થતા વીજ વાયરના કારણે કરંટ લાગવાના બનાવો બને છે. આ બાબતે યુજીવીસીએલ પેથાપુરમાં અનેકવાર રજૂઆત કરાઈ છે. પરંતુ તેનો કાયમી ઉકેલ શોધી શકતા નથી. મૃતક વૃદ્ધાના સગા નિરજસિંહ વાઘેલાએ કહ્યુ કે,ગુરૂવારે સવારે કલ્પનાબા ઘરની બહાર નિકળી રહ્યા હતા, તે દરમિયાન કપડા સુકવવાના વાયરને અડકી જતા કરંટ લાગ્યો હતો અને વૃદ્ધાનુ સ્થળ પર જ મોત થયુ હતુ. આ વિસ્તારમાં વીજ કરંટ લાગવો સામાન્ય બાબત થઇ ગઇ છે. છત્રસિંહ વાઘેલાએ કહ્યુ કે સર્વિસ વાયર બદલવા માટે અનેકવાર રજૂઆતો કરાઇ છે. તેમ છતા અધિકારીઓના બહેરા કાને વાત પડતી નથી બે દિવસ પહેલા પણ એક યુવકને કરંટ લાગ્યો હતો.

વીજ વાયરથી કરંટ લાગતા વૃદ્ધાનુ મોત થતા સવારે ૭થી ૮ વાગ્યાના એક કલાક સુધી પેથાપુર યુજીવીસીએલમાં સતત ફોનની ઘંટડી રણકી રહી હતી. પરંતુ કોઇ કર્મચારીએ ફોન ઉપાડ્યો ન હતો. બીજી તરફ એક કલાક સુધી વીજ પ્રવાહ પેથાપુરમાં વહેતો રહ્યો હતો. સામાન્ય રીતે વીજ પ્રવાહ માટે ડીપી લગાવવામાં આવી હોય છે. જ્યાંથી કોઇ એક વિભાગનો વીજ પ્રવાહ બંધ કરી શકાય છે. ત્યારે કરંટ લાગતા વૃદ્ધાનુ મોત થયા બાદ કરંટ સતત વહેતો રહ્યો હતો. પરંતુ કોઇ અધિકારીઓ ફરક્યા ન હતા. ત્યારે ફ્યૂઝ કાઢવાનુ જોખમ સ્થાનિક રહીશોએ લેવુ પડ્યુ હતુ.

Previous articleગુજરાત રાજયના ૧૧ જિલ્લામાં સરકારી સાયન્સ કોલેજ જ નથી !
Next articleતેલ અને બેસનના ભાવો તળિયે ગયા હોવા છતાં ફરસાણના વેપારીઓ ભાવ ઘટાડાનું નામ લેતા નથી