નાળામાં પડેલુ ટેન્કર બહાર કઢાયું

1089

ભાવ.સોમનાથ ધોરી માર્ગ પરના ભંડારિયા ગામના નાળા પરથી ગઈકાલે સવારે જલદ કેમિકલ ભરેલું ટેન્કર ૨૫ ફૂટ નીચે પલ્ટી મારી જતા દોડધામ થઈ પડી હતી. ટેન્કરમાં ભરેલું કેમિકલ અન્ય ટેન્કરમાં સિફટ કરવા એક્ષપર્ટ ટીમ કંડલાથી આવી ત્યા સુધીમાં અંધારું થઈ જતા આજે સવારે આ કામગીરી હાથ ધરાઈ હતી અને આજે પણ સલામતીના કારણોસર હાઇવે બંધ કરી વાહનોને ડાયવર્ટ કરાયા હતા.

ગઈકાલે આ ટેન્કરનું કેમિકલ સિફટ નહીં થઈ શકતા આખો દિવસ અને રાત્રી પણ ગામલોકોએ અધ્ધર શ્વાસે વિતાવી હતી. અધુરૂમાં પૂરું સલામતીના કારણોસર વીજ પુરવઠો પણ બંધ રખાતા ભડી, ભંડારિયા અને મેલકડી ત્રણ ગામના લોકોને ૨૬ કલાક લાઈટ વગર જ વિતાવવી પડી હતી.  આમ, જોઈએ તો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. માત્ર આશંકા હતી તેવા કિસ્સામાં ૨૬-૨૬ કલાક સુધી વીજ તંત્રએ પુરવઠો બંધ રાખી ત્રણ ગામના લોકોને બાનમાં લીધા હતા.  અકસ્માત સ્થળને બાયપાસ કરી વીજ પ્રવાહ શરૂ કરવામાં આજના ટેકનોલોજીના યુગમાં પણ વીજ તંત્ર વામણું પુરવાર થયું હતું.! લાઈટ વગર ગ્રામલોકોએ ભારે મુશ્કેલી વેઠી હતી અને વૃધ્ધો તથા બાળકોની સ્થિતી વધુ દયનિય બની હતી. હાઇવે ઓથોરીટીની ગુનાહિત બેદરકારીનો ભોગ ગ્રામલોકો બન્યા હતા. અંતે તંત્ર દ્વારા બે ક્રેઈનની મદદથી ટેન્કરને નાળામાંથી બહાર કઢાયું હતું અને ચેનનો શ્વાસ લીધો હતો.

Previous articleકોંગ્રેસના કુંવરજી સવારે ભાજપમાં અને સાંજે સરકારમાં
Next articleદેવુબાગમાં મંદિર હટાવતા લોકોમાં રોષ