ગ્રીનસીટીનો વજ્ર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

0
966

છેલ્લા સાત વર્ષથી ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટીને શહેરમાં ૭૦૦૦ કરતા વધુ વૃક્ષોનું ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ અને તેની યોગ્ય માવજત લઈને ઉછેર કરવા માટે વજ્ર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તેનો એવોર્ડ સમારોહ યોજાયેલ. જેમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યા હાજર રહ્યાં હતા. આ પ્રસંગે યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દેવેનભાઈ શેઠ પર્યાવરણ માટે એટલું કાર્ય કરી રહ્યાં છે કે જાણે એમને વૃક્ષો વાવવાની ભુખ હોય. પોતાનો ધંધો છોડીને પણ તેમણે આ પ્રવૃત્તિ માટે ભેખ લીધો છે. ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા તથા શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યાએ પણ જણાવ્યું કે, ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા દેવેનભાઈ શેઠએ જે તન-મન અને ધનથી કાર્ય કર્યુ છે એ કાબીલે તારીફ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ આવું કપરૂ કામ કરી શકે. આ તબક્કે ગ્રીનસીટીના દાતા નિશીથભાઈ મહેતાએ દેવેનભાઈની પર્યાવરણીય પ્રવૃત્તિની સરાહના કરતા જણાવ્યું હતું કે, દેવેનભાઈનું કાર્ય સમાજ માટે દાખલારૂપ છે. ત્યારબાદ વજ્ર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ભગીરથ ગોસ્વામીએ દેવેનભાઈ શેઠને તેમના કાર્ય બદલ એવોર્ડ અર્પણ કર્યો હતો. એવોર્ડ મેળવવા બદલ ગૌરવ અનુભવતા દેવેનભાઈ શેઠએ જણાવ્યું કે, એવોર્ડ મળ્યો છે એ અમારા માટે ખુશીની વાત છે પરંતુ મારી મંઝીલ હજુ દુર છે. હજુ આગામી વર્ષોમાં ઘણુ કરવાનું છે અને જ્યારે હું ભાવનગર શહેરને બેંગ્લોર સમકક્ષ ગ્રીનસીટી બનાવી દઈશ ત્યારે જ હું મારી જાતને એવોર્ડને લાયક ગણી શકીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ સારૂ કાર્ય ક્યારેય એકલા હાથે નથી થતું. આ સિધ્ધિ મેળવવામાં મારા ટીમ શહેરના અનેક ઉદાર દીલ દાતાઓ, કોર્પોરેશનનો પણ એટલો જ ફાળો રહ્યો છે. લોકોએ અમારૂ કામ બિરદાવીને મને ખૂબ જ પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે. સારા કામની કદર થવાથી કામ કરવાનું બળ બેવડાય છે. એવોર્ડ અર્પણ વિધિ બાદ દેવેનભાઈ શેઠના પિતા રસીકભાઈ શેઠ, માતુશ્રી માલતીબેન શેઠ, કાકા કિશનભાઈ શેઠ તથા તેમના રંજનફઈ તથા ભારતીફઈના સ્મરણાર્થે બહેરા મુંગા શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેવેનભાઈના ભાભી વર્ષાબેને આજે તેમના જન્મદિવસે વૃક્ષારોપણ કર્યુ હતું.

આ પ્રસંગે શહેરના અગ્રણીઓ રંગોલી પાર્કના અનીભાઈ, પીએનઆરના અશ્વીનભાઈ, સંતોષભાઈ કામદાર, એકસેલ ઈન્ડસ્ટ્રીઝના સૈનીજી, ડો.તેજસ દોશી, બકુલભાઈ ચાતુર્વેદી, શેઠબ્રધર્સના કમલેશભાઈ, તેજસભાઈ, ગૌરવભાઈ, ડીમ્પલ આઈસ્ક્રીમના તુષારભાઈ, અલંગના મુન્ના શેઠ, સરલાબેન સોપારીયા અને ગ્રીનસીટીના અચ્યુતભાઈ, કીલોનભાઈ તથા તમામ સભ્યો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ એરપોર્ટ પાસે વ્રજ વિહાર સોસાયટીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here