કોંગ્રેસનું મોટું પગલું : નાનકડા કાર્યકરનો અવાજ સીધો પહોંચશે રાહુલ ગાંધી સુધી

2396

કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષથી અને ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ પાર્ટીને છેવટે કાર્યકરો યાદ આવ્યા છે. કાર્યકરોનો અવાજ સાંભળવા માટે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં કાંગ્રેસના કાર્યકર અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો મોબાઇલ નંબર પરથી પોતાના મતદાતા કાર્ડના નંબર જણાવીને કોંગ્રેસે જાહેર કરેલ નંબર પર મેસેજ દ્વારા નોંધણી કરાવી શકશે.

છેલ્લા ૨૨ વર્ષથી સત્તાના વનવાસમાં રહેલી અને માત્ર નેતાની પાર્ટી બની ગયેલી ગુજરાત કોંગ્રેસને સજીવન કરવા માટે શક્તિ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં પ્રોજેક્ટ લોન્ચ થયો.

આ પ્રોજેક્ટ અંગે ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે શક્તિ પ્રોજેક્ટ થકી કાર્યકર્તાનો અવાજ સીધો પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી સુધી પહોંચશે. આની મદદથી પક્ષના નેતૃત્વ, વિચારધારા અને સંગઠન વચ્ચે સેતુ સધાશે. સંગઠન સુધી કાર્યકર્તાઓનો અવાજ પહોંચે તે માટે આ પ્રોજેકટ પર અમલ કરાયો છે. પાર્ટીમાં કાર્યકર્તાનો અવાજ હાઇકમાન્ડ સુધી પહોંચશે અને કાર્યકરોનો અવાજ સાંભળી નિર્ણય થાય એ માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત દરેક બુથનો કાર્યકર હાઇકમાન્ડ સાથે સીધો સંપર્ક કરી શકશે અને ગુજરાત માટે અલગથી નંબર ફાળવવામાં આવ્યો છે. ગુજરાત કાંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહુયે કે રાહુલ ગાંધી કાર્યકરોનો અવાજ સાંભળવામાં માને છે આ શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી કાર્યકર્તાઓના મનની વાત સાંભળવામાં આવશે. કાર્યકર્તાઓ માટે હાઇકમાન્ડના દરવાજા ખુલ્લા હોવા જોઇએ જે આના થકી શક્ય બનશે. વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે પાયાના કાર્યકર્તાઓની વાત સાંભળવામાં અને અમલમાં મુકવામાં આવે તેના માટે શક્તિ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હવે ઉમેદવાર પસંદગી માટે કાર્યકર્તાઓનો અભિપ્રાય શક્તિ થકી સંભળાશે અને આ ઉપરાંત કાર્યકર્તાઓ સિવાય મતદાતા શક્તિ પ્રોજેક્ટ સાથે સંકળાઈ શકશે. ગુજરાત કોંગ્રેસમાં હાલ નારાજગીનો દોર ચાલી રહ્યો છે. કુંવરજી બાવળીયા પક્ષ છોડી ચાલ્યા ગયા છે અને અન્ય કેટલાક નેતાઓ લાઇનમાં હોવાની વાત ચાલી રહી છે. આ સંજોગોમાં કોંગ્રેસને કાર્યકરો સાથે અન્યાય થયાની લાગણી થઇ રહી હોય એમ કાર્યકરો યાદ આવ્યા અને શક્તિ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ શક્તિ પ્રોજેક્ટ કાંગ્રેસમાં કેટલી શક્તિ પુરશે તે લોકસભા ૨૦૧૯ની ચૂંટણીના પરિણામો પરથી દેખાશે.

Previous articleજનતા રેડના મામલે હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ વિરૂદ્ધ ગુનો
Next articleટયુશન પ્રથા પર કાયમી રોક માટે હાઇકોર્ટમાં રીટ