ગુંદી ફાટક નજીક એસટીની ગુલાટ, ૧ બાળકીનું મોત : છને ઈજા

1486

 

ધંધુકા, તા.૧૧

આજે સાંજના સુમારે બગોદરા-ફેદરા હાઈવે પર ગુજરાત એસ.ટી. ગુંદી ફાટક નજીક પલટી મારતા ૧ બાળકીનું મોત, ૧૦ મુસાફરોને ઈજાઓ થવા પામેલ.

અકસ્માત ઘટનાની ફેદરા ૧૦૮ને જાણ થતા નરેન્દ્ર પરમાર ઈએમટી અને પાયલોટ અશરફ પઠાણ તથા બગોદરા ૧૦૮નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર સહ બગોદરા સીએચસી ખાતે ખસેડી વધુ સારવાર અપાવી હતી. તો ઘટનાની જાણ થતા કોઠ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ-ભાવનગર એસ.ટી. બસ ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ ન રાખી શકતા અકસ્માત સર્જાવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે. જેમાં બે થી અઢી વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું તો અન્ય ૧૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી જવા પામી હતી. અકસ્માતમાં વધુ ઈજા પામેલને બગોદરાની સીએચસી ખાતે ખસેડાયા હતા. જેમાં પ્રેમ હીરાભાઈ ચૌહાણ ઉ.વ.પ, તેજલબેન હીરાભાઈ ચૌહાણ બન્ને રહે. સિહોર, જિ.ભાવનગર જ્યારે અન્યોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. મૃતક બાળકીનું પી.એમ. કોઠ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવેલ અને ત્યારબાદ મૃતદેહ તેમના સ્નેહીઓને સોંપવામાં આવેલ. અકસ્માત ઘટના અંગે કોઠ પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી જે અંગેની વધુ તપાસ પીએસઆઈ એચ.વી. પટેલ ચલાવી રહ્યાં છે.

Previous articleમનરેગા યોજના હેઠળ ર૦૧૮-૧૯નું ર૦.૭૭ કરોડનું લેબર બજેટ મંજુર
Next articleરથયાત્રાને મંત્રી માંડવીયા પ્રસ્થાન કરાવશે