વીજ તંત્રની ઉપેક્ષાનો ભોગ બનતા ઉખરલાના ગ્રામજનો અને ખેડૂતો

0
752

કોબડી પાસેના ઉખરલા ગામના લોકોએ વીજ તંત્ર વાહકોની નીતિ રીતિ સામે ત્રસ્ત થઇ સૂત્રોચ્ચાર પોકારી આક્રોશ જતાવ્યો હતો. ગ્રામજનોએ સ્ટ્રીટ લાઈટો માટે રકમ ભરી દીધા છતાં સ્ટાફ અને મટીરીયલ નથી તેવુ કારણ આગળ ધરાતા અને બીજી બાજુ આસપાસના ઔધોગિક એકમોની ખોરવાયેલો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા તંત્ર વાહકોએ હાથ ધરેલી કવાયતથી લોકો અકળાયા હતા.  ઘોઘા તાલુકાના ઉખરલા ગામ મામસા સબ ડીવીઝન તળે આવે છે. અહીંના રહીશો વીજ તંત્રવાહકોની બેધારી નીતિથી પરેશાન છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ માટે પીજીવીસીએલમાં અરજી કરી હતી અને તે મંજૂર થતાં બે લાખ રૂપિયાની રકમ પણ ભરી દીધી. ત્યારે ગામમાં રાત્રીના અંધકારમાં અજવાળું થશે તેવી રાહ જોતા હવે આ ગ્રામજનોની ધીરજ ખૂટી છે. ગામમાં વીજપોલ લાગ્યાં પણ ગામ અંજવાળુ ન થયું. પોતાની પાસે સ્ટાફ નથી અને મટીરીયલ પણ નથી તેવું બહાનું આગળ ધરીને મામસા વીજ કચેરી દ્વારા કાર્યવાહી આગળ નહિ ધપાવી મુદ્દત પડાઈ હતી. તો ચારેક દિવસ પહેલા ભારે વરસાદને કારણે કેટલાક વીજપોલ ધરાશાયી થયા હતા જે મામસા ખાતેના ઔદ્યોગિક એકમોને લાઈટ પૂરી પાડે છે. ત્યાં તંત્રએ તાકીદે નવા વાયરો નાખી દીધા. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં વીજળી અપાતી નથી તો ઔદ્યોગિક એકમોને ફટાફટ વીજ કનેક્શન આપી દેવાય છે.!

હાલ ચોમાસાની સીઝન સક્રિય છે અને ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ વરસાદ ન થતાં કૂવાનું પાણી આપવું જરૂરી બની જાય છે. તેવામાં ઔદ્યોગિક એકમોને લાભ કરાવવા ખેડૂતોનાં વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં છે. તેવો આક્ષેપ પણ કરાયો છે. ખેડૂતોએ પોતે પોતાના ખર્ચે નાખેલા વીજપોલમાંથી વીજ કનેક્શન કાપી નાખી તેમને જ્યોતિગ્રામ યોજનામાંથી લાઈટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ હાલ વીજ વગર ખેડૂતો લાચાર બની ગયા છે. આથી વિજતંત્ર સામે રોષ વધ્યો છે. ઉખરલા ગામની સ્ટ્રીટ લાઈટ સુવિધાનું કામ કોરાણે મૂકી ઔદ્યોગિક વીજ કનેક્શન રીપેરીંગની મહત્વ અપાતા ગ્રામજનોએ સ્થળ પર દોડી જઇ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે મામસના વીજ અધિકારી કાથડનું કહેવું છે કે, ઉખરલાની સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે કામગીરી ચાલુ જ છે અને ગુરૂવાર સુધીમાં કદાચ પૂર્ણ થઈ જશે. કોન્ટ્રાક્ટરનું બે થી ત્રણ ડીવીઝનમાં કામ ચાલતું હોય એકાદ દિવસનું કદાચ મોડું થયું છે પરંતુ જલદીથી સ્ટ્રીટ લાઇટ સુવિધા માટે ટ્રાન્સફોર્મર અને વિજપોલ ઉભા કરવા સહિતની કામગીરી આટોપી લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here