તળાજામાં ૭, મહુવામાં પ ઈંચ વરસાદ

1829

ભાવનગર શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેવા પામી છે. મહુવા તથા તળાજા તાલુકામાં તથા જેસર પંથકમાં ભારે વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસરો થવા પામી છે.

સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગત શનિવારે મધ્યાંતર બાદ વરસાદનો પ્રારંભ થયો હતો. આ વરસાદ અવિરતપણે આજે પણ શરૂ રહેતા તળાજાના બગડ, રોજકી સહિત અનેક ડેમો છલોછલ ભરાઈ જવા પામ્યા છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે અને સેંકડો લોકોનું સ્થળાતંર કરાવવામાં આવ્યું છે. નદીઓમાં આવેલ ભારે પુરના કારણે નદી-નેરા કાંઠે વસતા લોકોના પશુ પુરના પ્રવાહમાં તણાઈ જવા પામ્યા છે.

ભાવનગર શહેરમાં અવિરત બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણે કુંભારવાડા, રેલ્વે સ્ટેશન, સુતારવાડા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. તદઉપરાંત અનેક જગ્યાઓ પર જમીન બેસી જતા ખાડા પડી જવા પામ્યા હતા. તો ૧૦થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. વર્ષો જુના જર્જરીત ત્રણ જેટલા મકાનો તુટી પડ્યા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. શહેરના ગંગાજળીયા તળાવમાં તથા બોરતળાવમાં સારા એવા પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. બે દિવસના સતત વરસાદના કારણે શહેરના જનજીવન પર અસરો જોવા મળી રહી છે. શાળા-કોલેજો તથા વ્યવસાયી એકમોમાં લોકો-વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તો બીજી તરફ મુખ્ય માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ આખો દિવસ વરસાદ અને ટાઢોડાના કારણે લોકોએ કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું. માર્ગો પર ટ્રાફીકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો તો બીજી તરફ વિજળી ગુલ થઈ જવાના કારણે લોકો ભારે અકળાયા હતા.

એનડીઆરએફ  ટીમનું શહેરમાં આગમન

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ આગામી પાંચ દિવસ સુધીમાં ભાવનગર શહેર-જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય ઉપરાંત છેલ્લા બે દિવસ દરમ્યાન પણ ભારે વરસાદને પગલે અનેક ગામો પ્રભાવિત થયા હોય આથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે એનડીઆરએફ ટીમની માંગ કરવામાં આવી હતી. આથી ગાંધીનગરથી ખાસ ટીમ શહેરમાં આવી પહોંચી છે. જે તમામ પ્રકારની મદદ માટે તૈયાર હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું.

સતત બીજા દિવસે ૫ણ ગામડાઓ તરબોળ

ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓ તથા ગ્રામ્ય પંથકમાં બીજા દિવસે પણ ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને તળાજા, મહુવા અને જેસર તાલુકામાં થઈ રહેલ વરસાદના કારણે ખેતી તથા જાનમાલને નુકશાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ગામડાઓમાં-ખેતરોમાં ભારે ધોવાણ થયું છે પરંતુ અનેક ચેકડેમો, બંધારા, તળાવો ઓવરફ્લો થતા પાણીની સમસ્યા ઉકેલાઈ જવા પામી છે.પરંતુ કેટલાક જળાશયોના નબળા પાળાઓ લોક ચિંતાનો વિષય પણ બન્યા છે.

રાત્રીના ૧૦ વાગ્યા સુધીના વરસાદના આંકડા

ભાવનગર            ૭પ મી.મી.

સિહોર    ૮૪ મી.મી.

ઘોઘા      ૭૭ મી.મી.

વલ્લભીપુર          ૬ર મી.મી.

મહુવા    ૧પ૦ મી.મી.

તળાજા  ૧૭પ મી.મી.

પાલીતાણા           પ૮ મી.મી.

ગારિયાધાર         ૧૪ મી.મી.

જેસર      ૩૧ મી.મી.

ઉમરાળા               ૬૪ મી.મી.

Previous articleબોરળતાવ, શેત્રુંજીમાં નવા નીરની આવક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે