હાજીપુરમાંથી જુગારધામ ઝડપાયું એક લાખની રોકડ સાથે ૫ની ધરપકડ

1432

સાંતેજ પોલીસે હાજીપુરની સીમમાં જુગાર અંગે દરોડા પાડીને ૧૦.૭૪ લાખના મુદામાલ સાથે પાંચની ધરપકડ કરતા જુગારી આલમમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ પ્રવૃતિને ડામવા અપાયેલી સુચના મુજબ જિલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃતિને ડામવા પોલીસે કમર કસી છે અને અવાર નવાર દોરોડા પાડી આવા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરી રહી છે. હાજીપુરમાં ધમધમતા જુગારધામમાં જુગારની બાજીમાંથી જ ૧ લાખની રોકડ મળી આવી હતી.

કલોલ તાલુકાના હાજીપુર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમે છે. તેવી બાતમી સાંતેજ પીઆઇ આર બી રાણાને મળતા પલીસ હરકતમાં આવી ગઇ હતી. અને પીએસઆઇ વી એ શેખ, ડી એ પ્રજાપતિ અને એન કે રાઠોડ સહીત પોલીસ જવાનોની ટીમે દરોડો પાડ્‌યો હતો.

પોલીસે જુગાર રમી રહેલા અંકિત હસમુખભાઇ પંડ્‌યા રહે.રામદાસ શેરી, એડીસી બેન્ક પાસે, આઝાદ ચોક, અમદાવાદ, સંજય રમેશભાઇ ગજ્જર રહે. સી. ૩૦૯, શ્રી રામ રેસીડેન્સી, નારોલ લાંભા રોડ મહેન્દ્રા શો રૂમ પાછળ, અમદાવાદ (મુળ કેવડીયા, તાલુકો કપડવંજ, નિકુલ ભુપેન્દ્રસિંહ ઠાકોર રહે. રામજીમંદિર વાસ, નાસ્મેદ, ચંદુજી ઇસાજી ઠાકોર રહે. કેશવ સર્વીસ સ્ટેશનની પાછળ, નાસ્મેદ, કમલેશ ચરણલાલ શર્મા રહે. ક્યુ. ૨૦૧, દેવ કેસલ ફ્‌લેટ, રાધે કિષ્ણા કોમ્પલેક્ષની સામે, ગોવિંદવાડી, ઇસનપુર ને ઝડપી પાડ્‌યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી જુગાર રમવાના સાધન સાહીત્ય સહીત રોકડા ૧, ૦૦, ૨૪૦ તેમજ ૯.૬૦ લાખના બે ગાડીઓ તથા ચાર બાઇક, રૂ. ૧૪, ૦૦૦ની કિમતના પાંચ મોબાઇલ સહિત ૧૦, ૭૪, ૨૪૦નો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસના દરોડાના પગલે જુગાર રમવાના શોખીનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જુગારમાં ૧ લાખ જેવી મોટી રકમ જોઇ પોલીસ પણ ચોકી ઉઠી હતી. સમગ્ર ઘટના તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

ગાંધીનગર પોલીસ અધિક્ષકની સુચના મુજબ જીલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃતિને ડામવા પોલીસે કમર કસી છે. અને અવાર નવાર દોરોડા પાડી આવા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજ પ્રકારનો એક દરોડો સાંતેજ પોલીસે હાજીપુરની સીમમાં પાડ્‌યો હતો. જેમાં ૧૦.૭૪ લાખના મુદામાલ સાથે પાંચની ધરપકડ કરતા જુગારીઆઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Previous articleદહેગામ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખનું સન્માન કરાયું
Next articleઆજીવિકા એકસપ્રેસ યોજના અન્વયે સુઘડ ખાતે બે સ્કુલવાન અર્પણ કરાઇ