રાજ્યમાં ૪૪% વરસાદ છતાં ૪૫% જ વાવેતર

1104

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અનરાધાર વરસાદ વરસવાને પગલે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે રાજ્યમાં મૌસમનો કુલ ૪૪ ટકા વરસાદ વરસી ગયો છે. આમ છતાં રાજ્યના ૪૫ ટકા વાવેતર વિસ્તારમાં જ વાવેતર થયું છે.

રાજ્યના પાંચ જિલ્લાઓ એવા અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં મૌસમનો ચાર ઈંચ જેટલો વરસાદ પડ્‌યો નથી. ક્લાઇમેટ ચેન્જને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ અડધો જુલાઇ માસ પસાર થઈ ગયો હોવાછતાં રાજ્યના માંડ ૪૫ ટકા વિસ્તારમાં જ વાવેતર થઇ શક્યું છે. આમ રાજ્યના ૫૫ ટકા વિસ્તારમાં હજુ વાવેતર શક્ય બન્યું નથી.

તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે લાખો ખેડૂતોની વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે. આ અંગે આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકને નુકશાન થયું હોય તો તેનો પણ સરવે યુદ્ધના ધોરણે હાથ ધરાશે. એક તરફ ભારે વરસાદને કારણે વાવણી નિષ્ફળ જાય એમ છે, તો બીજી તરફ ઓછા વરસાદને કારણે વાવણી થઈ શકતી નથી.

ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, ૧૬ જુલાઇની સ્થિતિએ રાજ્યમાં માત્ર ૪૫.૨૦ ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. રાજ્યમાં હાલ ૩૮,૭૧ .૬૭ લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. ગત વર્ષે આ ૧૬ જુલાઇના રોજ ૬૦.૬૨ લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી હતી. જેનો સીધો અર્થ એવો છે કે, ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે હજુ રાજ્યના સરેરાશ વાવણી લાયક વિસ્તારમાં માત્ર ૪૫ ટકા વિસ્તારમાં જ વાવેતર થયું છે. મોટા ભાગના મહત્વપૂર્ણ પાકોમાં સરેરાશ ૩૦ ટકાથી વધુ વાવેતર ઘટ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કૂલ ૮૫.૫૬ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર છે. રાજ્યમાં એકબાજુ લીલો દુષ્કાળ પડ્‌યો છે તો બીજી બાજુ ૩૯ તાલુકાના ૧૪૭ ગામડાઓમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. આ ૩૯ તાલુકામાં ૧૯૩ ટેન્કરથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

Previous articleઅંબરીશ ડેરની ટીમ પુરગ્રસ્તોની વ્હારે
Next articleશક્તિસિંહનો સીએમને પત્ર, રાજકીય કાર્યક્રમને બદલે રાહત કામગીરી કરો