શક્તિસિંહનો સીએમને પત્ર, રાજકીય કાર્યક્રમને બદલે રાહત કામગીરી કરો

1494

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે આજે કોંગ્રેસ અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યના સીએમ રૂપાણીને પત્ર લખી કહ્યું હતું કે રાજકીય કાર્યક્રમને બદલે રાહત કામગીરી કરો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ અને પુનઃ વસનની કામગીરી કરવી જોઇએ. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહશે. આ કપરા સમયમાં સરકારે ગુજરાતના હિતમાં આ પગલા ભરવા જોઇએ અને તેને રાજકીય રીતે ન લેતા સકારાત્મક ભાવથી કાર્યાન્વિત કરવું જોઇએ. પીએમ ૨૦ જુલાઇએ ગુજરાત આવવાના છે તે રાજકીય કાર્યક્રમમાં ફેરબદલ કરી રાહત કામગીરી માટે પૂરગ્રસ્તથી પ્રભાવિત લોકોને મળે તથા કેન્દ્રીય સહાયની માત્ર જાહેરાત નહીં પરતું વાસ્તવિક રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરે. કુદરતી આફતના સમયે રાજકીય નેતાઓએ રાજકીય પ્રવાસ રદ કરી સત્તામાં બેઠેલા નેતાઓએ રાજકીય પ્રવાસને રાહત કામગીરીમાં ફેરવી લોકો વચ્ચે જવું જોઇએ. શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે આપના પ્રવાસ હોવાના બહાને મામલતદારથી લઇને કલેકટર સુધીના અધિકારીઓ મુખ્યમંત્રીના કાર્યક્રમની મીટિંગોમાં વ્યસ્ત રહ્યાં હતા.

વેરાવળથી લઇને કાણકિયા જેવા અનેક શહેરો અને ગામોના લોકો બચાવ અને રાહત માટે અધિકારીઓ સાથે વાત કરવા માંગતા હતા ત્યારે તેમને એક જ જવાબ મળતો હતો કે, સાહેબ મીટિંગમાં વ્યસ્ત છે. તેના બદલામાં તાલુકા અને જિલ્લાના અધિકારીઓને મીટિંગ અને કોન્ફરન્સમાંથી મુક્ત કરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરવા દેવા જોઇએ.

Previous articleરાજ્યમાં ૪૪% વરસાદ છતાં ૪૫% જ વાવેતર
Next articleખેડૂતોને જે પણ નુકસાન થયું છે મળવાપાત્ર સહાય ચુકવાશે : મહેસુલપ્રધાન