ડોક્ટર હિનાકુમારીએ દિક્ષા લીધી : શ્રદ્ધાળુ ઉમટી પડ્યા

2105

એમબીબીએસમાં ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર હિનાકુમારીએ દિક્ષા ગ્રહણ કરી લીધી છે. રાજસ્થાનમાં પાલી જિલ્લાના ઘાણેરાવ નિવાસી અશોકકુમાર હિંગડની પુત્રી હિના હિંગડને આજે સવારે વિજ્યાલક્ષ્મી હોલમાં દિક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈથી મેડિકલનું શિક્ષણ મેળવી ચુકેલી ડોક્ટર હિનાકુમારીએ ડિગ્રી મેળવી લીધા બાદ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. શરૂઆતથી હોંશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીની તરીકે હિનાકુમારીએ સિદ્ધિ મેળવી હતી. છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રના શિરડી ખાતેની હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી. હિનાકુમારીનું કહેવું છે કે, ૧૮ વર્ષની વયમાં તે દિક્ષા ગ્રહણ કરવા માટે ઇચ્છુક હતી પરંતુ તે વખતે પિતાના કહેવાથી તે થોડાક સમય સુધી રોકાઈ ગઈ હતી જેથી ૧૨ વર્ષ સુધી રાહ જોવાની ફરજ પડી છે. હવે તે દિક્ષા ગ્રહણ કરી રહી છે.

પાંચ મહિના પહેલા જ તેના પિતા તેની દિક્ષાવિધિ માટે માની ગયા હતા. જૈન ભગવતી દિક્ષા ગ્રહણ કરીને ધર્મના માર્ગ પર ચાલવા માટે ડોક્ટર હિનાકુમારી હવે અન્ય લોકોને પ્રેરિત કરશે. તેમનું કહેવું છે કે, શરીરની સારવાર તમામ લોકો કરે છે પરંતુ આત્માની સિદ્ધિ માટે કામ કરવામાં આવતું નથી. અગાઉ મંગળવારના દિવસે શોભાયાત્રા યોજવામાં આવી હતી.

વરસીદાન શોભાયાત્રા સુરત શહેરમાં વેસુ ક્ષેત્રમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. કરોડો રૂપિયાની સંપત્તિ, સુખ સંપત્તિના સાધનો અને ભવ્ય લાઇફને છોડીને ડોક્ટર હિનાકુમારી દિક્ષાગ્રહણ કરી ચુકી છે. દેશના જુદા જુદા ભાગોમાંથી દિક્ષાગ્રહણ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર, દર વર્ષે શિક્ષણ નીતિ બદલો નહીં
Next articleગુજરાતમાં ૯૬ કલાક આફતના : ૪ દિ’ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી