ગુજરાત : પુરગ્રસ્ત જુદા જુદા વિસ્તારમાં રોગચાળાનું સંકટ

0
1383

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. વરસાદની ગતિ ધીમી પડતા પુરના પાણી ઉતર્યા બાદ હવે પુરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. રોગચાળાને રોકવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા હોઇ એકબાજુ સરકાર અને તંત્રએ રાહતનો દમ લીધો છે પરંતુ બીજીબાજુ, પૂરના પાણી ઓસરતાં તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઠેર-ઠેર કાદવ-કીચ્ચડ, ગંદકી, દુર્ગંધ અને કચરાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. જેને લઇ હવે રોગચાળાની દહેશત લોકોને સતાવી રહી છે. સ્થાનિક લોકોએ તંત્રને આરોગ્યને લઇ તાકીદે અસરકારક પગલાં ભરવા માંગણી કરી છે. તો, જે વિસ્તારોમાં હજુ વરસાદી અને પૂરના પાણી ભરાયેલા છે તે લોકો પાણી ઓસરવાની રાહ જોઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તોરમાં ખાવા-પીવાની અને જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં લોકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે, કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારો તો હજુ પણ એવા છે કે, જયાં તંત્રનું કોઇ માણસ ત્યાં ફરકયું નથી. જેને લઇ લોકોમાં ભારોભાર નારાજગી અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.  ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં આજે મેઘરાજાએ આઠ-નવ દિવસની ધમાકેદાર ઇનીંગ બાદ આજે કંઇક અંશે વિરામ લીધો હતો અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટયુ હતુ. મેઘરાજાએ પોરો ખાતાં અને વરસાદી જોર ઘટતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હવે ધીરે ધીરે વરસાદના અને પૂરના પાણી ઓસરી રહ્યા છે. જો કે, જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારોમાં તબાહી અને તારાજીના ખતરનાક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો કે, હજુ પણ ગીર-સોમનાથના માણેકપુર, મેઘર સહિતના પંથકો, પોરબંદરના ઘેડ, જૂનાગઢના માણાવદર, કોડિનાર, ગીર સહિતના પંથકો તો, દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડ, ઉના, ડાંગ, વઘઇ સહિતના પંથકોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here