ગાંધીનગરમાં આઇ.આઇ.ટી.ના નવનિર્મિત સંકુલનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ

1222
guj8102017-3.jpg

ભારતના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગર નજીક પાલજ પાસે સાબરમતી નદીનો કિનારે ૮૯૭ એકર જમીનમાં નિર્માણ પામેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી આઇ.આઇ.ટી.નું વર્લ્ડ કલાસ સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સામાન્ય માનવીની સમસ્યાઓને હંમેશા સ્મરણમાં રાખીને તેનું નિવારણ થાય તેવા સંશોધનો કરવા અને સમાજ પ્રત્યે સંવેદના માટે સંકલ્પબદ્ધ થવા યુવાનો અને વિદ્યાર્થી ભાઇ-બહેનોને અનુરોધ કર્યો હતો. 
    આઇ.આઇ.ટી.ના છાત્રોને સંબોધતા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ અભ્યાસમાં સંશોધનોને વિશેષ મહત્વ આપતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સંશોધનકાર્યો માત્ર પરીક્ષાલક્ષી નહીં પરન્તુ સમાજની સમસ્યાઓના નિવારણલક્ષી હોવા જોઇએ. અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી દેશના યુવાનોને સંશોધનક્ષેત્રે પ્રેરીત કરતાં તેમણે યુવાનોને દેશ અને દુનિયાના વિકાસ માટે યોગદાન આપવા આહવાન કર્યું હતું. સમાજની સમસ્યાઓના સમાધાન માટે સંશોધનકાર્ય પર ભાર મૂકીને તેમણે આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં સંશોધનાત્મક સંસ્કૃતિનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.              
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની ૨૦ યુનિવર્સિટીઓને વિશ્વની ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાં મોખરાના સ્થાને આવવા શક્ય તમામ પ્રયત્નો અને પરિશ્રમ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય શિક્ષણનું સ્થાન અને મહત્વ વિશ્વમાં મોખરે રહે એ મારી અપેક્ષા છે, પરન્તુ આઝાદીના ૭૦ વર્ષે પણ ભારતની એક પણ યુનિવર્સિટી એ વિશ્વની મોખરાની ૫૦૦ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવ્યું નથી. તેમણે ભારતની ૧૦ ખાનગી યુનિવર્સિટીઓ અને ૧૦ સરકારી યુનિવર્સિટીઓને શક્ય તમામ સજ્જતા કેળવીને વિશ્વની મોખરાની યુનિવર્સિટીઓમાં સ્થાન હાંસલ કરવા આહવાન કર્યું હતું. ભારત સરકાર આ માટે રૂ.૧૦૦૦ કરોડની આર્થિક મદદ પણ કરશે એટલું જ નહીં આવી સંસ્થાઓને જો જરૂર હશે તો ભારત સરકાર કે રાજ્ય સરકારના નિયમોમાંથી પણ મુક્તિ આપવામાં આવશે. યુનિવર્સિટીઓને પોતાની તાકાતની અભિવ્યક્તિ માટે આવશ્યક તમામ પ્રકારની સ્વતંત્રતા આપવાની ખાતરી આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આઇ.આઇ.ટી., ગાંધીનગરને આ પડકાર ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ગાંધીનગર નજીક આઇ.આઇ.ટી. માટે આવી મોંઘી અને મોકાની જમીન ફાળવી ત્યારે ગાંધીનગરનું કેમ્પસ તમામ આઇ.આઇ.ટી.માં શિરમોર કેમ્પસ બને એવું સમણું સેવ્યું હતું. આજે પોતાનું આ સમણું સાકાર થયું છે. એનો સહજ આનંદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અભિવ્યક્ત કર્યો હતો. 

Previous articleમોદીની હાઇપ્રોફાઇલ ગુજરાત યાત્રા શરૂ : દ્ધારકાધીશમાં દર્શન
Next articleમોદી આજે માદરે વતન વડનગર ખાતે પહોંચશે