અરવલ્લી જિલ્લાની શાળાના વિદ્યાર્થીનું ઓરી રૂબેલા રસીથી મોતની આશંકા

0
784

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની વાઘેશ્વરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનું ઓરી રૂબેલા રસીથી મોત થયાની આશંકા છે. પણ તંત્ર રસીને કારણે મોત થયું હોવાનું ઇન્કાર કરી રહ્યું છે.

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની વેકસીનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઓરી રૂબેલા રસીની અવડી અસર થઈ હોવાની આશંકા છે. ભિલોડ તાલુકાના ઇન્દ્રપુર ગામનો વતની અને વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં ધોરણ ૨માં અભ્યાસ કરતા મુકેશ ગામેતીને તારીખ ૧૯ જુલાઈના રોજ ઓરી રૂબેલાની રસી અપાઈ હતી.

ત્યારબાદ મુકેશ ગામેતીની તબિયત લથડતી ગઈ હતી. વિદ્યાર્થીને તાવ ચક્કર અને બેચેની થવા લાગી હતી. જેથી તેને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ લાવ્યા હતા. જ્યા તેની તબિયત વધુ લથડતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ આ વિદ્યાર્થીની તબિયત ખુબજ ગંભીર બનતી ગઈ.

હિંમતનગર સિવિલ હોસ્પિટલના સત્તા વાળાઓ દ્વારા મુકેશ ગામેતીને અમદાવાદ વધુ સારવાર અર્થે લઈ જવાની સલાહ આપી હતી. પરંતુ ગરીબ અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીને સીધા તેના વતન લઈ આવ્યા હતા. અને આજે વહેલી સવારે મુકેશ ગામેતીનું મોત નીપજ્યું હતુ. મૃતકના પરિવારજનોએ વિદ્યાર્થીનું ઓરી રૂબેલાની રસીને કારણે મોત નીપજ્યું હોવાનો દાવો કર્યો છે.

ઉલ્લેખનિય છે કે ભિલોડા તાલુકામાં અગાઉ પણ જીંજુડી પ્રાથમિક શાળાના ૬ વિદ્યાર્થીઓ ઓરી રૂબેલાની રસી લીધા બાદ બીમાર થઈ ગયા હતા. ત્યારે આ વિદ્યાર્થીનું મોત ઓરી રૂબેલાની રસીથી થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. ત્યારે સાચું શુ તે વિદ્યાર્થીના પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here