નિષ્કલંક મહાદેવની જગ્યામાં પ્રાથમિક સુવિધા આપવા માંગ

1367

કોળીયાક ગામના સમુદ્ર મધ્યેમાં પ્રાથમિક સવલતોની માંગ સાથે આ સ્થળનો વિકાસ કરવાની માંગ કરતું આવેદનપત્ર કોળીયાક ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે.

વિશ્વ વિખ્યાત નિષ્કલંક મહાદેવના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કરોડો લોકોની આગવી આસ્થા સાથે ભૌગોલિક વિશેષતાથી ભરપુર એવું આ તિર્થસ્થાન ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે આવેલ સમુદ્રમાં પાંડવકાળમાં નિર્માણ થયેલું છે. પ્રતિવર્ષ ભાદરવા સુદ પાંચમ (ઋષિ પાંચમ) તથા ભાદરવી અમાસના રોજ લાખો લોકોની મેદની વચ્ચે વર્ષો પૂર્વેથી વિશાલ લોકમેળો યોજાય છે તથા ર૪ કલાકમાં બે વખત દરિયામાં ઓટ આવ્યે પાંડવો સ્થાપિત પાંચ શિવલીંગના દર્શન થાય છે અને ભરતી સમયે સમગ્ર દેવ સ્થાન જળ મગ્ન બને છે. આવું વિશિષ્ટ સ્થાન વર્ષોથી વિકાસથી વંચીત છે.

આ સ્થળે પહોંચવા કે મુળ સ્થાન પર પીવાના પાણી કે અન્ય કોઈ જાતની પાયાકિય સવલતો ન હોવા સાથોસાથ પવિત્ર યાત્રાધામના દરજ્જાથી પણ વંચીત હોય જેને લઈને કોળીયાક ગ્રામજનો સરપંચ તથા વિર માંધાતા કોળી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી કે આ સ્થાનને રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપે તથા નિષ્કલંક મહાદેવ સુધી પહોંચવા તટથી ઓટલા સુધી રોડ અથવા પુલનું નિર્માણ કરે તેમજ કિનારા પર પીવાનું પાણી, શૌચાલય ગાર્ડન અને સુરક્ષા વ્યવસ્થા અર્થે પોઈન્ટ ઉભા કરવામાં આવે તથા સમગ્ર જગ્યાનો યોગ્ય વિકાસ કરવામાં આવે તટ પર ઉતારા, માહિતી માર્ગદર્શન કેન્દ્ર ખોલવાની પણ માંગ કરવામાં આવી છે. રજૂઆતકર્તાઓના જણાવ્યા અનુસાર આ સ્થાનનો યાત્રાધામ દરજ્જા સાથે વિકસાવવાથી સ્થાનિક ગ્રામજનો માટે સ્વરોજગારીની નવીન તકોનું નિર્માણ થશે. રાજ્ય સરકાર સોમનાથ તિર્થક્ષેત્રનો આવો સુંદર અને આગવો વિકાસ કરતી હોય તો નિષ્કલંક મહાદેવનો શા માટે નહીં ?

Previous articleનાનકડી બાળાઓનાં મોળાકત વ્રતનો પૂજન સાથે પ્રારંભ
Next articleમહાપાલિકાના વિપક્ષી નેતાની વરણી માટે આગેવાનો આવ્યા હોવાની વાત ભ્રામક પ્રચાર : જયદિપસિંહ