મહુવાની ત્રિ.વૃ.પારેખ પ્રા.શાળા નં.૬માં લોકશાહીઢબે બાળ સંસદની થયેલ રચના

1773

બાળકોમાં નેતૃત્વ, સમૂહભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસવાની સાથોસાથ રાજનીતિશાસ્ત્ર વિષયને સમજવાની અભિવ્યક્તિ ખીલે તે માટે મહુવાની ત્રિ.વૃ.પારેખ પ્રા. શાળા નં.૬માં લોકશાહીઢબે બાળ સંસદની રચના કરવામાં આવેલ. બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનિયમો ઘડવામાં સક્રિય ભાગ લઈ શાળામાં એક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે. શાળા નં.૬માં વર્ષ : ૨૦૧૮-૨૦૧૯ માટે બાળ સંસદ માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ. શાળાના કુલ ૨૮૫ મતદારો સાથેની વિદ્યાર્થીઓની મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ અને તેને પ્રસિધ્ધ કરવામાં આવેલ. ફોર્મ ભરવાથી લઈ શપથ ગ્રહણ સુધીની તમામ બાબતોને આવરી લેવામાં આવેલ. પ્રિસાઈડીંગ ઓફિસરથી લઈને સુરક્ષા અધિકારી સુધીની તમામ જવાબદારી શાળાના વિદ્યાર્થીઓએ નિભાવેલ. કુલ ૧૫ ઉમેદવારો અને નોટા સાથેનું નામ અને નિશાની સાથેનું બેલેટપત્ર તૈયાર કરવામાં આવેલ. ઉમેદવારોએ પોતાના તરફી મતદાન માટે પ્રચાર પણ કરેલ. ૯૨.૬૩ ટકા જંગી મતદાન સાથે શાંતિમય રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણં થયા બાદ મતગણતરી કરવામાં આવેલ અને ૭ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલ. વિજેતા ઉમેદવારોને જુદા-જુદા પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવવામાં આવેલ. નવરચિત બાળ સંસદના પ્રતિનિધિઓ હવે શાળાના વિવિધ વિભાગની જવાબદારી સંભાળશે. શાળા બાળ સંસદની રચનાને મહુવાના પ્રાંત અધિકારી જે.એમ.તુવારે બિરદાવેલ. મહુવા બી.આર. સી.કો. ઓર્ડિનેટર મુકેશભાઈ ભટ્ટ, સી.આર. સી.કો. ઓર્ડિનેટર રમેશભાઈ સેંતા તથા ચૂંટણી શાખાના ચેતનભાઈ જોષીએ મતદાન પ્રક્રિયા દરમિયાન શાળાની મુલાકાત લઈ સમગ્ર પ્રક્રિયાની સરાહના કરેલ.

Previous articleલટુરિયા આશ્રમ દામનગરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે
Next articleઅમદાવાદ એડ. સર્કલ એસો. દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો અપાયા