હાર્દિક સહિત ત્રણને બે વર્ષની સજા

1402

પાટીદાર અનામત આંદોલનના પ્રારંભિક તબક્કે વિસનગર ખાતે યોજાયેલી રેલી દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના અને જાહેર સુલેહશાંતિનો ભંગ કરવાના ચકચારભર્યા કેસમાં આજે વિસનગર કોર્ટે એક અતિ મહત્વના અને ગુજરાતના રાજકારણ માટે ઐતિહાસિક કહી શકાય તેવા ચુકાદા મારફતે પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ અને એ.કે. પટેલને રાયોટિંગના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. એટલું જ નહી, કોર્ટે ત્રણેય આરોપીઓને બબ્બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જયારે ચકચારભર્યા એવા આ કેસમાં અન્ય ૧૪ જણાંને નિર્દોષ  ઠરાવી છોડી મૂકવા પણ હુકમ કર્યો હતો. વિસનગર કોર્ટના આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પાટીદાર સમાજમાં આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. અદાલત દ્વારા બે વર્ષની કેદની સજાનો હુકમ સંભળાવાયા બાદ આરોપી હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલ તરફથી આ હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવાની હોવાના ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા હતા. જેને પગલે કોર્ટે હાર્દિક પટેલ સહિતના ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે રૂ.૧૫ હજારના બોન્ડ સાથે અને તા.૨૭મી જૂલાઇ સુધીમાં હાઇકોર્ટમાં અપીલ કરવાની મહેતલ આપવા સાથે જામીન આપ્યા હતા. જો કે, વિસનગર કોર્ટે હાર્દિક પટેલને વિસનગરની હદમાં નહી પ્રવેશવાની આકરી શરત પણ લાદી છે, જેના કારણે હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ૨૦૧૫માં ઉત્તર ગુજરાતના મહેસાણા અને વિજાપુરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ હાર્દિક પટેલ અને લાલજી પટેલે વિશાળ રેલી યોજી હતી. તે સમયે ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોફાની ટોળાંએ તોડફોડ કરી હતી.

પોલીસે ટોળાંને વિખેરવા ટિયરગેસના ૧૩ રાઉન્ડ છોડ્‌યા હતા. ટોળાએ ધારાસભ્યના કાર્યાલય બહાર પડેલી કારને સળગાવીને વાહનોની તોડફોડ કરી હતી. ધારાસભ્યની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે હાર્દિક પટેલ તેમજ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૧૭ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં આજે ચુકાદો આવ્યો હતો.

Previous articleગુજરાતી ફિલ્મના નિર્દેશકે આત્મહત્યા કરતા ચકચાર
Next articleપોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર પાંચ શખ્સો ઝડપાયા