અન્ય વ્યકિતઓની જેમ વિકલાંગોને પણ જીવન જીવવાનો હક મળે તેવા સરકારે પગલા લેવા પડશે

1955

વાચક મિત્રો, સંવેદનાની શોધ અંતર્ગત આપણે પ્રથમ પડાવનાં અંતિમ ચરણમાં પહોચી ગયા છીએ ત્યારે પ્રથમ ચરણમાં આપણે વિકલાંગો માટે ઘડાયેલ કાયદો ‘ધ રાઈટ્‌સ ઑફ પર્સન્સ વીથ ડિસેબિલિટિઝ એક્ટ-ર૦૧૬’ વિષે વિગત વાર માહિતી મેળવી. જેમાં પ્રથમ ચરણ અંતર્ગત આપણે આ અધિનિયમનાં કુલ ૧૭ પ્રકરણોની કુલ ૧૦૨ કલમો અને તેની પેટા કલમોની વિસ્તૃત માહિતી મેળવી. આ અંકમાં આપણે સમગ્ર કાયદાના ચિતાર સમી અગત્યનાં કેટલાક પ્રકરણો અને કલમોની ચર્ચા કરી આ વિષયપૂર્ણ કરીશું.
‘ધ રાઈટ્‌સ ઑફ પર્સન્સ વીથ ડિસેબિલિટિઝ એક્ટ-૨૦૧૬’ નો કાયદો ભારત સરકારના કાયદા તથા ન્યાય મંત્રાલય દ્વારા તારીખ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ પારિત થતા તારીખ ૧૭ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જેના ૧૭ પ્રકરણોને સંક્ષિપ્તમાં જોઈએ.
પ્રકરણઃ ૦૧. પ્રારંભિક (કલમ ૦૧ અને ૦૨) : કલમ ૧ અને ૨ તેમજ તેની જુદી-જુદી પેટા કલમોમાં ધારામાં વપરાયેલ શબ્દો અને વ્યાખ્યાઓ વિશે સમજૂતી આપવામાં આવી છે.
પ્રકરણઃ ૦૨. હક અને હકદારી (કલમ ૦૩ થી ૧૫) : કલમ- ૩ થી ૧૫ અને તેની જુદી-જુદી પેટા કલમો અનુસાર વિકલાંગોના “હક અને હકદારી” વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. અન્ય વ્યક્તિઓની જેમ વિકલાંગોને પણ સમાનતાનો અધિકાર, જીવન જીવવાનો હક ગરીમાપૂર્વક મળી રહે તેવા પગલાં લેવા સૂચિત સરકારે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરવો પડશે તેમ આ પ્રકરણમાં જણાવ્યું છે.
પ્રકરણઃ ૦૩. શિક્ષણ (કલમ ૧૬ થી ૧૮) : પ્રકરણ-૦૩ વિકલાંગ બાળકોના શિક્ષણ પર આધારિત છે. જેમાં વિકલાંગ બાળકોના સંમિલિત શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રકરણઃ ૦૪. કૌશલ વિકાસ અને રોજગાર (કલમ ૧૯ થી ૨૩)ઃ વિકલાંગ વ્યક્તિઓના કૌશલ્ય વિકાસ અને રોજગારી વિશે વાત કરવામાં આવી છે. જેમાં કલમ ૧૯ અન્વયે સૂચિત સરકારે વિકલાંગ વ્યક્તિઓની વ્યાવસાયિક તાલીમ, સ્વરોજગાર તેમજ તેના રોજગારને સુગમ બનાવવા રાહત દરે લોન આપવા જેવી બાબતો સહિતની જોગવાઈઓ કરતી યોજનાઓ અને કાર્યક્રમો સ્પષ્ટપણે આપવા પડશે. વિકલાંગોના રોજગાર સંબંધિત આ પ્રકરણ મુજબ અગત્યની કલમ-૨૦ (૪) મુજબ કોઈ સામાન્ય કર્મચારી તેની સેવા દરમિયાન અશક્તતાનો ભોગ બને તો તેને નોકરી પરથી દૂર કરી શકાશે નહીં કે તેની સેવાની પાયરી ઘટાડી શકાશે નહીં. જયારે નારાજ વિકલાંગ વ્યક્તિ પોતાની નારાજગી અંગે ફરિયાદ દાખલ કરી શકે તેવા હેતુસર અને કાયદાનાં અસરકારક અમલ માટે કલમ- ૨૩ (૧) મુજબ દરેક સૂચિત સરકાર-સરકારી સંસ્થાઓ કલમ-૧૯ ના હેતુ માટે ‘ફરિયાદ નિવારણ અધિકારી’ ની નિમણૂક કરવી પડશે. આવા અધિકારીની નિમણૂક અંગે રાજ્ય માટે રાજ્ય કમિશનર અને કેન્દ્ર માટે કેન્દ્ર કમિશનરને માહિતગાર કરવા પડશે.
પ્રકરણઃ ૦૫. સમાજ સુરક્ષા, આરોગ્ય, પુનઃસ્થાપન અને આનંદપ્રમોદ (કલમ ૨૪ થી ૩૦) : કલમ ૨૪ થી ૩૦ અને તેની પેટા કલમો વચ્ચે આવરી લેવામા આવેલ આ પ્રકરણમાં વિકલાંગ વ્યક્તિઓના અધિકારને ઉત્તેજન આપવામાં આવ્યું છે. આ ધારાની કલમ ૨૪ (૧) મુજબ સૂચિત સરકારે વિકલાંગ વ્યક્તિ સ્વતંત્રપણે સમાજમાં જીવન જીવવા માટે સમર્થ બની શકે તેવા પગલાં ભરવા પડશે અને તેના માટેના વિશિષ્ટ કાર્યક્રમોને ઉત્તેજન આપવું પડશે. આવી યોજના તથા કાર્યક્રમો હેઠળ અશક્ત વ્યક્તિઓને મળતું સહાયનું પ્રમાણ, અન્ય સામાન્ય લાભાર્થીઓ કરતા ૨૫ ટકા વધારે રહેશે. પેટા કલમ ૩ મુજબ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય સંભાળ અને પરામર્શના સંદર્ભમાં નિર્વાહની ઉચિત સ્થિતિ સાથેના સામુદાયિક કેન્દ્રો જેમને કુટુંબ ન હોય, ત્યજી દેવામાં આવ્યા હોય કે આશ્રય સ્થાન વગરના હોય એવા લોકોની સંભાળ માટે ખાસ સુવિધાઓ ઊભી કરવી પડશે. કુદરતી કે માનવસર્જિત આપત્તિનો ભોગ બનેલ વિકલાંગોને મદદ આપવી પડશે. તેમજ વિકલાંગ બહેનો માટે તેના બાળ ઉછેરના હેતુ માટે મદદ આપવી પડશે.જ્યારે કલમ- ૨૬ મુજબ સૂચિત સરકારે જાહેરનામાંથી તેના કર્મચારીઓ માટે ખાસ વીમા યોજના ઘડવી પડશે. આ પ્રકરણની કલમ ૨૭ (૧ અને ૨) અંતર્ગત અશક્ત વ્યક્તિઓનાં પુનઃસ્થાપનનાં હેતુઓ માટે સૂચિત સરકાર અને સ્થાનિક સત્તા મંડળ બિન સરકારી સંગઠનોને નાણાકીય સહાય કરશે. તો કલમ ૩૦ અંતર્ગત વિકલાંગ ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર વિકલાંગોની રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળે તેવા પગલા સૂચિત સરકારે લેવા અનિવાર્ય બનશે.
પ્રકરણઃ ૦૬. પ્રમાણભૂત (આધારચિહ્નવાળી) અશકત વ્યક્તિઓ માટે ખાસ જોગવાઇઓ (કલમ ૩૧ થી ૩૭) : કલમ ૩૧ થી ૩૭ વચ્ચે વહેચાયેલા આ પ્રકરણમાં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર સહિતની બાબતોને સમાવવામાં આવી છે. ૧૮ વર્ષની વય સુધી વિકલાંગ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે. તેમજ પ્રમાણભૂત ક્ષતિગ્રસ્તાવાળા બાળકોને ઓછામાં ઓછી ૫ ટકા બેઠકો પ્રવેશ માટે ફાળવવી પડશે. જ્યારે આ પ્રકરણની કલમ ૩૩ મુજબ વિકલાંગ વ્યક્તિઓનાં રોજગારને વેગ મળે તે માટે વિકલાંગ વ્યક્તિઓ કાર્ય કરી શકે તેવી જગ્યાઓ તારવવા એક તજ્જ્‌ઞ સમિતિની નિમણૂક કરવી પડશે અને આ સમિતિ દ્વારા દર ત્રણ વર્ષે આવી જગ્યાઓની સમીક્ષા કરવી અનિવાર્ય છે. કલમ ૩૪ મુજબ કલમ-૩૩ પ્રમાણે તારવેલી જગ્યાઓ પર ઓછામાં ઓછા ચાર ટકા પ્રમાણેના વિકલાંગ વર્ગને લાભ મળે તે રીતે ભરતી કરવાની રહેશે. જેમાં (ક) સંપૂર્ણ દૃષ્ટિહીન અને અલ્પદૃષ્ટિ વાળી વ્યક્તિ માટે ૧ %, (ખ) બધિર અને સાંભળવાની ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે ૧ %, (ગ) મગજના લકવાનો ભોગ બનેલ વ્યક્તિ, રક્તપિત્તના રોગમાંથી મુક્ત થયેલ વ્યક્તિ,વામનતા ધરાવતી વ્યક્તિ, એસિડ હુમલાનો ભોગ બનેલ વ્યક્તિ, સ્નાયુબદ્ધ દોષ, આહાર, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિત હલનચલનની અશક્તતા વાળી વ્યક્તિઓ માટે ૧ %, (ઘ) ઓટીઝમ, બૌદ્ધિક અશક્તતા, અધ્યયનને લગતી ખામી ધરાવતી વ્યક્તિઓ, માનસિક અશક્તતા ધરાવતી વ્યક્તિઓ માટે ૧ % (ચ) (મલ્ટીપલ ડિસેબિલિટી) એકથી વધુ વિકલાંગતાનો ભોગ બનેલ વ્યક્તિ માટે ૧ %.
પ્રકરણઃ ૦૭. સઘન આધારની જરૂરિયાતવાળી અશકત વ્યક્તિઓ માટે ખાસ જોગવાઇઓ. (કલમ-૩૮) : કલમ ૩૮ અને તેની પેટા કલમો મુજબ પ્રમાણભૂત આધારચિહ્નોવાળી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે ખાસ મૂલ્યાંકન બોર્ડ કેન્દ્ર સરકાર ઠરાવે તેવી રીતે મોકલવામાં આવશે અને તે અંગે મૂલ્યાંકન કરી સૂચિત સરકારના હુકમોને આધીન રહીને આવા વ્યક્તિઓનાં હિતમાં ૫ગલા લેશે.
પ્રકરણઃ ૦૮. સૂચિત સરકારની ફરજો અને જવાબદારીઓ (કલમ-૩૯ થી ૪૮) : કલમ ૩૯ થી ૪૮ વચ્ચે વહેંચાયેલ આ પ્રકરણ મુજબ સૂચિત સરકાર, મુખ્ય કમિશનર અથવા રાજય કમિશનર સાથે વિચારવિનિમય કરીને આ અધિનિયમ હેઠળ પૂરા પાડવામાં આવેલા અશકત વ્યક્તિઓના અધિકારોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાન અને સંવેદનશીલતા કાર્યક્રમોનું આયોજન કરશે, તેને પ્રોત્સાહન આપશે, આધાર આપશે અથવા ઉત્તેજન આપશે.
પ્રકરણઃ ૦૯. અશકત વ્યક્તિઓ માટેની સંસ્થાની નોંધણી(રજિસ્ટ્રેશન) અને આવી સંસ્થાઓને અનુદાન (ગ્રાન્ટ) (કલમ-૪૯ થી ૫૫) : અશકત વ્યક્તિઓ માટે કાર્યરત સંસ્થાઓની નોંધણી અને આવી સંસ્થાઓને અપાતા અનુદાન અંગેની જોગવાઈઓ આ પ્રકરણમાં કલમ ૪૯ થી ૫૫ અને તેની પેટા કલમો વચ્ચે કરવામાં આવી છે.
પ્રકરણઃ ૧૦. નિર્દિષ્ટ અશકતતાનું પ્રમાણીકરણ (કલમ-૫૬ થી ૫૯) : આ પ્રકરણની કલમ ૫૬ થી ૫૯ અંતર્ગત કેન્દ્ર સરકાર વિકલાંગતાનાં પ્રમાણનું મૂલ્યાંકન (આકારણી) કરવાના હેતુ માટે માર્ગદર્શિકા જાહેર કરશે તેમજ આ માટેના પ્રમાણપત્રો તૈયાર કરવા સક્ષમ હોય તેવા પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીઓ લાયકાત અને અનુભવના ધોરણે નક્કી કરશે.
પ્રકરણઃ ૧૧. અશક્તતા અંગે કેન્દ્રીય અને રાજ્ય સલાહકાર બોર્ડ તથા જિલ્લાકક્ષા સમિતિ (કલમ ૬૦ થી ૭૩) : આ પ્રકરણ અંતર્ગત કાયદાના સુચારુ અમલ માટે કલમ ૬૦ મુજબ કેન્દ્રીય સલાહકાર બોર્ડ, કલમ ૬૬ મુજબ રાજ્ય સલાહકાર બોર્ડ અને કલમ ૭૨ મુજબ જિલ્લા સલાહકાર સમિતિની રચના કરવી અનિવાર્ય છે.
પ્રકરણઃ ૧૨. અશક્ત વ્યક્તિઓ માટે મુખ્ય કમિશનર અને રાજ્ય કમિશનર (કલમ-૭૪ થી ૮૩) : વિકલાંગ વ્યક્તિઓ માટે મુખ્ય કમિશનર કલમ ૭૪ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અધિનિયમના હેતુઓ માટે મુખ્ય કમિશનરની તેના બે સહાયક કમિશનર સાથે નિમણૂક કરશે. તેમજ કલમ ૭૯ અંતર્ગત રાજ્ય કમિશનર અને તેના સહાયક કમિશનરની નિમણૂક અંગે વિગતો આપવામાં આવી છે.
પ્રકરણઃ ૧૩. સ્પેશિયલ કોર્ટ (કલમ-૮૪ અને ૮૫) : વિકલાંગ વ્યક્તિઓને ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ કોર્ટ (ખાસ અદાલત) સ્થાપવા આ પ્રકરણની કલમ ૮૪ અને ૮૫ અંતર્ગત માહિતી આપવામાં આવેલ છે. તેમજ કલમ ૮૫ અનુસાર ખાસ અદાલત માટે રાજ્યસરકાર જાહેરનામા પ્રસિદ્ધ કરી સરકારી ફોજદારી વકીલ નિર્દેશ કરી શકશે.
પ્રકરણઃ ૧૪. અશક્ત વ્યક્તિઓનાં વિકાસ માટે રાષ્ટ્રીય ફંડ (કલમ-૮૬ અને ૮૭) : અશક્ત વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ફંડ ઊભું કરવાની જાણકારી આ પ્રકરણની કલમ ૮૬ અને ૮૭માં આપવામાં આવી છે.
પ્રકરણઃ ૧૫. અશક્ત વ્યક્તિઓનાં વિકાસ માટે રાજ્ય ફંડ (કલમ-૮૮) : આ પ્રકરણ અનુસાર ઉપરોક્ત કલમ ૮૬ અને ૮૭ની રૂએ અશક્ત વ્યક્તિઓ માટે રાજ્યકક્ષાએ ફંડ ઊભું કરવાની માહિતી કલમ ૮૮ માં દર્શાવેલ છે.
પ્રકરણઃ ૧૬. ગુનો અને શિક્ષા (કલમ-૮૯ થી ૯૫) : ગુનો અને શિક્ષા આધારિત આ પ્રકરણના નિયમોને આધીન કાયદાનું ઉલ્લંઘન કરનારને રૂપિયા દસ હજારથી શરૂ કરી રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ કલમ ૮૯ થી ૯૫ અને તેની પેટા કલમો હેઠળ કરવામાં આવી છે.
પ્રકરણઃ ૧૭. પ્રકીર્ણ (કલમ-૯૬ થી ૧૦૨) : પરચૂરણ બાબતો પર અવલંબિત આ પ્રકરણ કલમ ૯૬ થી ૧૦૨ અને તેની પેટા કલમોમાં વહેંચાયેલું છે. જેમાં આ કાયદાને લગતી કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. જેવી કે કલમ ૯૬ અનુસાર આ અધિનિયમની જોગવાઇઓ, જે તે સમયે અમલમાં હોય તેવા કોઇ અન્ય કાયદાની જોગવાઇઓ ઉપરાંતની આ અધિનિયમની જોગવાઈઓનું અલ્પીકરણ ન કરતી હોય તેવી રહેશે.
આમ, આપણી આ લેખમાળાના પ્રથમ ચરણમાં વિકલાંગો માટે અતિ મહત્વનો અને તેમના અધિકારો માટે અતિ અગત્યનો એવો વિકલાંગતા વિધયેક- ૨૦૧૬ તેના ૧૭ પ્રકરણો સહિત સહીત પૂર્ણ થાય છે. વાચક મિત્રો, આપણે આગામી અંકથી સંવેદના સેતુ લેખમાળા અંતર્ગત આપણે આગળ વધીશું અને આમ સમાજમાં વિકલાંગો માટે સંવેદના પુષ્પ ખીલવવાનાં પ્રયત્નોનાં ભાગરૂપે અવનવી માહિતી મેળવતા રહીશું.

Previous articleઘોઘા એસબીઆઈનું એટીએમ ૧૦ દિ’થી બંધ
Next articleદારૂથી હૃદયને ફાયદો ? ભ્રામક પ્રચારની માયા જાળ!!