૧૯૬૧માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ અંધશાળાની મુલાકાત લઈ સંવેદના વ્યકત કરેલી

1833

કોઈપણ કાનુન, નિયમ કે ઉપનિયમ વ્યક્તિની સુરક્ષા સલામતી સગવડ કે તેને થતા અન્યાયને રોકવા માટે અસ્તિત્વમાં આવે છે. પરંતુ જ્યાં સંવેદના છે ત્યાં ખરેખર આવા કોઈ માળખાની જરૂર જ રેહતી નથી. જેમ બાગમાં રહેલું એક પુષ્પ પોતાની સુવાસથી સમગ્ર બાગના વાતાવરણને સુગંધિત બનાવી દે છે તેમ સંવેદનારૂપી પુષ્પ સમાજરૂપી બાગને માનવતાની સુવાસથી સુગંધિત કરી મહેકાવી દે છે. તો વાચક મિત્રો, આપણે સંવેદનાની શોધનાં દ્વિતીય ચરણમાં સમાજરૂપી બાગમાં રહેલા સંવેદનાનાં પુષ્પને શોધી તેની સુગંધ સમગ્ર સમાજમાં પ્રસરે તેવો પ્રયત્ન કરીશું.

એક નાનકડી વાર્તાની મહેક સમાજ રૂપી બગીચામાં કઈ રીતે ફેલાવે છે તે સમજીએ. એક ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો. ભારે શ્રમી અને મહેનતું ખેડૂત પોતાના ખેતરમાં જે પરસેવો પાડતો હતો તે પરસેવાની મહેનત મુજબ કશુક પામતો ન હતો. કોઈ વાર ટંકનું ખાવાનું પણ મળતું નહીં. પત્ની હંમેશા બીમાર રહેતી હતી. અચાનક બે કિશોરો ખેતરની નજીક આવે છે.  તેમાંથી એક બાળકને ખેડૂતની રમુજ કરવાનું મન થાય છે. તેને તેના સાથી મિત્ર કહ્યું – ‘પહેલાં ખેડૂતનું આપણે એક બુટ સંતાડી દેવું છે ?’  સાથી બાળક તેમ કરવાના પાડે છે, કારણ કે- તેને ખેડૂતની વેદના અનુભવાતી હોય તેમ કમકમાટી સાથે બોલ્યો, ‘ચાલ રમૂજ કરવી જ  હોય તો ખેડૂતના બંને બુટમાં એક-એક સિલ્વર ડોલર મૂકીને કરી જોઇએ.’ બંને બાળકો તેમ કરે છે. અને થોડે દુર આવેલા ઝાડ પાછળ સંતાઈ જાય છે. થોડો વીત્યા બાદ પેલો ખેડૂત હળ ચલાવીને વૃક્ષ નીચે પડેલા તેના બુટ પહેરવા આવે છે.  તે બુટમાં પગ નાંખતા જ બુટમાં કંઈક હોવાનો ખેડૂતને અહેસાસ થાય છે. તે પગ બહાર કાઢીને તેમાં જોવા લાગે છે. અને ખુબ જ આશ્ચર્ય સાથે બુટમાં રહેલા સિલ્વર ડોલર જોઈને ચોતરફ જોવા લાગે છે. પણ કોઈ નજરે પડતું નથી. આ શું ! આ સિલ્વર ડોલર બુટમાં ક્યાંથી આવ્યા? તે બીજા બુટમાં પણ આ જ રીતે જુએ છે અને તેમાં પણ તેને સિલ્વર ડોલર જોવા મળે છે. હવે તો તેની જીજ્ઞાસા વધી જાય છે. અરે…! આ તો ચમત્કાર થયો! ખેડૂત આકાશ તરફ જોઈને બોલવા લાગે છે. ‘ અરે વાહ..! ઈશ્વર તારી મારા પર કેટલી કૃપા છે. મારી પત્ની બહુ બીમાર છે તેની સાર સંભાળ માટે નાણાંની જરૂર હતી જ, તું મારી કેટલી કાળજી લે છે! આ બધું બંને બાળકો વૃક્ષ પાછળ છુપાઈને જોઈ રહ્યા હતા. જે બાળકએ બુટમાં સિલ્વર ડોલર મૂકી રમુજ કરવાનું મન થયું હતું તે બાળક મોટું થતા મોટો વેપારી બને છે. ગરીબોને જરૂરી ચીજવસ્તુઓનું દાન કરવાનો તેનો નિત્યક્રમ  બની જાય છે. તે પોતાની કાર પાર્કિંગમાં પાર્ક કરતા હતા ત્યારે ખુબ ઠંડા માહોલમાં  પાર્કિંગની આજુબાજુમાં એક વૃદ્ધ ઉમરનો મજુર લારી વડે લોકોનાં સામાન એક જગ્યાએ થી બીજી જગ્યાએ  પોહ્‌ચાડવાનું કામ કરતો હતો. બર્ફીલા ઠંડા પ્રદેશમાં અચાનક બરફના પડતા વરસાદ વચ્ચે તેને કામ કરતો જોઈ પેલો વેપારી ખુબ જ સંવેદનશીલ બની જતો. એક વખત તેને વૃદ્ધ મજુર પ્રત્યે એવી તે લાગણી થઈ કે  પોતાનો રત્નજડિત પોશાક, મોંઘો રેઇનકોટ અને કિંમતી આભૂષણો તેની પાસે ત્યારે જે કઈ હતું તે બધું જ પેલા વૃદ્ધને આપી દીધું. વૃદ્ધ પણ ખુબ જ ખુદદાર અને પરિશ્રમી હતો તેથી તેને રેઇનકોટ સિવાયનું બાકીનું બધું જ તેણે પેલા વેપારીને પરત કર્યું અને ચાલતો થયો.

આવો જ એક કિસ્સો વર્ષ ૧૯૬૧ માં ભાવનગર બન્યો હતો. વર્ષ ૧૯૬૧ માં કોંગ્રેસનું  મહાઅધિવેશન તે વખતે ભાવનગરમાં યોજાય રહ્યું હતું. વર્તમાન પત્રોમાં તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ભાવનગરમાં પધારશે તેવા સમાચાર ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સમક્ષ સવારની પ્રાર્થના બાદ શિક્ષક દ્વારા વાંચવામાં આવ્યા. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રોએ નહેરુજીને મળવા માટે બ્રેઇલલીપીમાં વડાપ્રધાનનું સંબોધન કરી તેના પર બોલપેનથી સરનામું લખાવીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર મોકલી આપ્યો. નહેરુજીએ બ્રેઈલપત્ર દિલ્હીમાં બ્રેઈલના જાણકાર પાસે વંચાવી તેનું અર્થઘટન કરાવી પોતાની નોટમાં ટપકાવી લીધું.  અધિવેશનના આગલા દિવસે ભાવનગરમાં જવાહરલાલ નહેરુનું આગમન થવાનું હતું ત્યારે ભાવનગરના ડી.એસ.પી. અને કોંગ્રેસ અગ્રણીઓની મોટી ફોજ એરપોર્ટ પહોંચી ગઈ હતી. પ્રધાન મંત્રીનું પ્લેન એરપોર્ટ પર ઉતરતાં જ નહેરુજીએ ગાડીના ડ્રાઈવરને સુચના  કરી કે ગાડી અંધ ઉદ્યોગ શાળા લઈ લ્યો. મારે અંધજનોને મળવા જવાનું છે. ડી.એસ.પી., કલેક્ટર અને બીજા અધિકારીઓ અવાક થઈ ગયા. પ્રધાનમંત્રીનાં કાર્યક્રમમાં આવી કોઈ મુલાકાત અગાઉ નક્કી કરવામાં આવી ન હતી. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી અંધશાળાનું નિરીક્ષણ પણ થયું ન હતું. તેમ છતાં અંધજનો પ્રત્યેની લાગણી અને તેમની દૃષ્ટિની મર્યાદાના કારણે તેઓ સામેથી પ્રધાનમંત્રીને એટલા પોલીસ કાફલા વચ્ચે કેવી રીતે મળવા આવી શકે તે વિચારી નહેરુજીએ આ તમામ સીરસ્તાની પરવા કર્યા વિના બધા કાર્યક્રમો પડતા મૂકી પ્રથમ અંધ ઉદ્યોગ શાળાની મુલાકાતે એરપોર્ટથી સીધા પહોંચી જવાનું નક્કી કર્યું. આજ છે, સાચી ‘સંવેદના.’ આપણે વિકલાંગતા વિધેયક-૨૦૧૬ના સત્તર પ્રકરણની કલમ ૧૦૨ કલમની અનેક પેટા કલમોની જોગવાઇઓ જોઈ. સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં અનેક વિકલાંગોને તેના અધિકારો પ્રાપ્ત કરવા માટે આમતેમ ફાફા મારવા પડે છે. વારંવાર કચેરીઓના પગથીયા ઘસવા પડે છે. અનેક કાનૂની જોગવાઈઓ પછી પણ જવાબદાર અધિકારીની મુલાકાત શક્ય બનતી નથી. ને કાંતો  કરેલી રજુઆતોનાં યોગ્ય ઊત્તર મળતા નથી. આમ સમાજરૂપી બાગમાંથી  પણ સંવેદનાંનાં અનેક ઉદાહરણ આપણી નજરે ચડે છે. આપણે ઉપરોક્ત બંને ઉદાહરણથી સમજી શકીએ છીએ કે-સમાજનાં એક માણસથી બીજા માણસ પ્રત્યેની સંવેદના અને સમાજનાં એક વર્ગ થી બીજા વર્ગની સંવેદના સમજી એકબીજાની મદદ માટે હંમેશા આગળ આવવું જ જોઈએ અને તો જ સમાજનું પૈડું સાચી દિશામાં આગળ વધશે. આપણે સંવેદનાની શોધનાં દ્વિતીય ચરણમાં આવા જ સંવેદનાનાં પુષ્પો ચૂંટી કાઢવાનાં છે. તો આવતા અંકમાં ફરી નવા દૃષ્ટાંતો સાથે ફરી મુલાકાત થશે.

Previous articleતા.૩૦-૭-ર૦૧૮ થી ૦૫-૦૮-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે