સોનગઢમાં પોલીસે આધેડ પર આચરેલા અત્યાચાર સંદર્ભે માલધારી સમાજમાં રોષ

1420

સોનગઢ પોલીસે માનવ અધિકારોનો ભંગ કરી એક આધેડ વયના નિવૃત્ત સરકારી કર્મચારી પર દમન હિન પ્રયાસ કરતા સિહોર, સોનગઢ પંથકમાં વસતા માલધારી પરિવારોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.

ગત તા.ર૮-૭-ર૦૧૮ના રોજ સોનગઢ પોલીસે આજ ગામે રહેતા અને સિનિયર સીટીઝન તથા ઈરીગેશન વિભાગના પૂર્વ કર્મચારી સુરાભાઈ ભીખાભાઈ મકવાણા (રબારી)ને ચેપ્ટર કેસમાં ઉઠાવી પોલીસ મથકે લાવી બેફામ માર માર્યો હતો. આટલેથી પણ સોનગઢ પોલીસ મથકના પીએસઆઈ આર.બી. વિહોલ અટક્યા ન હતા અને પોલીસ કાફલા સાથે ભોગગ્રસ્ત કુખ્યાત અપરાધી હોય તેવી રીતે સોનગઢમાં સરઘસ કાઢી બસ સ્ટેન્ડમાં આધેડ સુરાભાઈને ઉઠબેઠ કરાવી હતી. પોલીસના અમાનવિય અત્યાચારનો ભોગ બનેલ નિવૃત્ત કર્મચારી પોલીસના આવા વર્તનને કારણે ડઘાઈ ગયા હતા અને પોલીસના શારીરિક માનસિક ત્રાસને લઈને તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું તથા તેઓ બેહોશ થઈ જતા સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને માલધારી સમાજમાં ઘેરા પડઘાઓ પડ્યા છે. સોનગઢ પોલીસે માનવિય અધિકારોનો ભંગ કરતા સિહોર, સોનગઢ પંથકના માલધારી અગ્રણીઓએ આજરોજ એક વિશાળ રેલી યોજી સિહોરના સબ ડીવી. મેજીસ્ટ્રેટ તથા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગ કરી છે કે સોનગઢ પોલીસ મથકના પીએસઆઈ વિહોલ તથા આ ઘટનામાં જોડાયેલ દરેક પોલીસ કર્મી વિરૂધ્ધ આકરા પગલા ભરવા માંગ કરી છે સાથે એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે કાયદાના રક્ષકો ભક્ષક બની કાયદો હાથમાં લઈ કાયદાનો સરાજાહેર ભંગ કરે છતાં પગલા નહીં લેવામાં આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ માલધારી સમાજે જણાવ્યું છે.

Previous articleસંત કંવરરામ ચોક પાસે ઢેલને ઈલેકટ્રીક શોક લાગ્યો
Next articleઢસા ૧૦૮ની કામગીરીની ચોમેર પ્રશંસા