ધારીમાં ૩ દિપડાના મોત, કેવી રીતે થયા વાંચો

1510

ગુજરાતમાં દિપડાઓની માઠી બેઠી હોય એમ લાગે છે. બુધવારે સાંજે અમરેલી જિલ્લાના ધારી પાસે એક સાથે ત્રણ દિપડાઓની મૃતદેહો મળી આવ્યા હતા. આ ત્રણેય દિપડાના મોત કોઇ ઝેરી પદાર્થ ખાવાથી થયા હોવાની શક્યતા દર્શાવાઇ રહી છે. આ ઘટના ધારીથી આંબરડી જતી વખતે રસ્તામાં આવતા વોંકળાની નીચેથી મળી આવ્યા હતા. આ દિપડાના મૃતદેહોની બાજુમાં એક મરેલુ કુતરુ પણ પડ્‌યુ હતુ એમ જાણવા મળે છે.

વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણેય દિપડાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. વન અધિકારીના જણાવ્યા અનુસાર, આ ત્રણ દિપડાઓમાં એક નર માદા દિપડો (૬-૭ વર્ષની ઉંમર) અને બે નર દિપડા (૨-૩ વર્ષની ઉંમર)ના હતા.“પ્રાથમિક રીતે જોતા એણ જણાય છે કે, આ ત્રણેય દિપડાના મોત ઝેરી અસરથી થયા છે. અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇએ છીએ. આ પછી જ ખ્યાલ આવશે કે, દિપડાના મોતનું કારણ શું છે” એક સિનીયર વન અધિકારીએ  જણાવ્યુ હતું.એક સાથે ત્રણ દિપડાઓના શંકાસ્પદ મોત નિપજે એ ખરેખર ચિંતાનો વિષય છે. બુધવારે સવારે જ, ગીર-ગઢડાના નવા ઉગલા ગામે એક દિપડાનું વીજ ટ્રાન્સફોર્મરના વીજ શોક લાગવાથી મૃત્યુ પામ્યો હતો.

આ પહેલા, ૨૬ જુલાઇના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કેરાળા ગામેથી આશરે બે વર્ષના દિપડાનો મૃતદેહ મળ્યો.

આ ઘટના તળાજા ફોરેસ્ટ રેન્જના ફુલસર રાઉન્ડના ઉંચડી બીટ હેઠળ આવતા કેરાળા ગામમાં બની હતી. કેરાળા ગામના ખેડૂત જીલુભાઇ અરજણભાઇ પરમારની વાડીમાંથી મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ (સામાજીક વનીકરણ વિભાઘ)વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ દિપડાનું મૃત્યુ પણ શંકાસ્પદ રીતે થયુ હતું.

૨૦૧૬માં થયેલી દિપડાઓની વસ્તી ગણતરી મુજબ, ગુજરાત રાજ્યમાં કુલ ૧૩૯૫ દિપડાઓ નોંધાયા છે. વન વિભાગ દ્વારા ૨૦૧૭ના વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દિપડાઓ મૃત્યુ વિશેનું વિશ્લેષણ કરી એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ, દિપડાઓના વધતા અકુદરતી મૃત્યુનો આંક ચિંતાજનક છે. વન વિભાગના આ રિપોર્ટમાં નોંધ્યુ છે કે, ગીર-સોમનાથ, તાપી અને ભાવનગર જિલ્લામાં અકુદરતી કારણોસર દિપડાઓના મૃત્યુના કિસ્સાઓ વધારે જોવા મળે છે. ગીર-સોમનાથ જિલ્લામાં વીજશોક લાગવાથી ૪ દિપડા મૃત્યુ પામ્યા હતા.

૨૦૧૬માં ગુજરાતમાં ૫૦ દિપડાઓ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૭માં અકુદરતી કારણોસર દિપડાઓના મૃત્યુનો આંકડો વધીને ૫૬ પર પંહોચ્યો હતો. ૨૦૧૭ના વર્ષમાં કુદરતી કારણોસર ૮૫ દિપડાઓના મૃત્યુ પામ્યા હતા અને અકુદરતી કારણોસર ૫૬ દિપડાઓ મૃત્યુ પામ્યા હતા.

Previous articleભાવથી અધેલાઈ ફોરટ્રેક હાઈ-વેનું ૧રમીએ ખાતમુર્હુત
Next articleકોર્પોરેટરના વેતનમાં વધારો જાણો કેટલા થયા