રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સહયોગથી વૈદિક પરિવાર દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ યોજાયો

1076

વર્તમાન સમયની વિદ્યાર્થી જીવનની અગ્રણી સમસ્યા “સ્ટ્રેસ”ને મેનેજ કરવાના ઉપાય અર્થે આદર્શ નિવાસી અ.જા. શાળા (કન્યા) ખાતે વૈદિક પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સહયોગથી ચાર દિવસીય “સ્ટ્રેસ મેનેજમેન્ટ” વર્કશોપ યોજવામાં આવ્યો હતો. તા. ૩૧ જુલાઈથી શરૂ થયેલ વર્કશોપનો તા. ૦૩ ઓગષ્ટ. ૨૦૧૮ના સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન મનોરંજન કર કમિશ્નર ડૉ. ધીરજ કાકડીયાએ વિવિધ ટૂચકાઓ સાથે વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષયને અંગે કાર્ય કરવા માટે વૈદિક પરિવારને અભિનંદન આપેલ. પોતાના વિદ્યાર્થીકાળના અનુભવોને યાદ કરીને વિદ્યાર્થીનીઓએ મનમાંથી ડર દૂર કરી ઈન્દ્રિયો થકી કોઈ પણ પ્રકારનો બાહ્ય કચરો પોતાના મનમાં ન જાય તે ખાસ તકેદારી રાખવી જોઈએ તેમ જણાવેલ.

“સ્ટ્રેસ મેનેજમેન્ટ”ના મુખ્ય વક્તા અરવિંદ રાણાએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને આ ચાર દિવસ દરમ્યાન મળેલ જ્ઞાનને આચરણમાં લાવવા પ્રેરણા આપી હતી. તેમણે ગુરૂ સાથેના આદર્શ વ્યવહારની સમજ આપી સારા વિદ્યાર્થીના ગુણો ઉપર પ્રકાશ પાડ્યો હતો. ન ગમતા અને અઘરા વિષયને કેવી રીતે ગમાડી શકાય અને સરળ કરી શકાય તે વિષયક વિવિધ ઉદાહરણો સાથે સમજ પૂરી પાડેલ.

વૈદિક પ્રવક્તા અવધેશપ્રસાદ પાંડેય દ્વારા પ્રસંગોચિત ઉદ્‌બોધનમાં વિદ્યાર્થીનીઓએ પોતાનો ધ્યેય નક્કી કરી તેને પૂર્ણ કરવા સતત પુરુષાર્થ કરવો જોઈએ. તેઓએ આકર્ષક શૈલીમાં પ્રશ્નોતરી થકી વિદ્યાર્થીનીઓને અઘરી લાગતી બાબતો ખૂબ જ સરળ ભાષામાં સમજાવી હતી.

વૈદિક પરિવારના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધીએ પણ વિદ્યાર્થીકાળમાં વિવિધ દૂષણોથી દૂર રહીને માત્ર વિદ્યાભ્યાસમાં જ કેવી રીતે મનને સાંકળવું તેનો વૈદિક સાહિત્યના માધ્યમથી ખૂબ જ સુચારુ ઉપાય વિદ્યાર્થીનીઓને આપેલ. ચાર દિવસીય શિબિરની ફળશ્રુતિ શું રહી અને તેનો કેટલો લાભ થયો તે અંગે શાળાના શિક્ષક અને વિદ્યાર્થીનીઓ દ્વારા સકારાત્મક પ્રતિભાવ પણ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દરેક વિદ્યાર્થીનીઓને વૈદિક પરિવાર દ્વારા અરવિંદભાઈ રાણા લિખિત “વિદ્યાર્થી ઔર તનાવ” પુસ્તક ભેટ આપવામાં આવેલ. કાર્યક્રમ માં લોહાણા યુવા સંગઠનના પ્રમુખ નિલેશ પુજારા, રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પૂર્વ પ્રમુખ મનોજભાઈ સરૈયા, શાળા પરિવારના શિક્ષક મિત્રો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

Previous articleભાગેડુઓને લોન કોંગ્રેસના જ દબાણથી અપાઈ હતી : ભાજપ
Next articleધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક.લીના ચેરમેન તરીકે બીજીવાર મહેશભાઈ પટેલ બિનહરીફ