ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી અપાશે : ઊર્જાપ્રધાન સૌરભ પટેલ

1140

ઊર્જાપ્રધાન સૌરભ  પટેલે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે  તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે.વરસાદ ખેંચાતા ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરુરિયાત ઊભી થતાં રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતને ધ્યાને લઈને પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યભરના ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ૨૮૬૩ ફીડરો, પશ્ચિમ ગુજરાતના ૩૪૭૧ ફીડરો, મધ્ય ગુજરાતના ૬૧૮ અને દક્ષિણ ગુજરાતના ૩૫૬ ફીડરો મળી રાજ્યભરના કુલ ૭૩૦૮ કૃષિલક્ષી ફીડરોના અંદાજે ૧૫ લાખ ખેડૂતોને આ લાભ મળશે.

આ નિર્ણયને કારણે રાજ્ય સરકાર ઉપર પ્રતિ માસ રૂ. ૨૦૦ થી રૂ.૨૫૦ કરોડનું આર્થિક ભારણ વધશે. રાજ્યમાં પ્રતિદિન ૬.૮ કરોડ યુનીટ વીજળી કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. રાજ્યમાં આઠ કલાકને બદલે વધારાના બે કલાક એટલે કે દસ કલાક વીજ પુરવઠો આપવાના રાજ્ય સરકારના નિર્ણયથી વધારાના ૧.૨ કરોડ યુનિટ વીજળી વપરાશે. આમ કૃષિ ક્ષેત્રે દૈનિક આઠ કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. જે અત્યાર સુધીમાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતો સૌથી વધુ વીજ પુરવઠો છે.

Previous articleગુજરાત હાઈકોર્ટનો આદેશ : રખડતા પશુઓ પર માલિકના નામના ટેગ લગાવો
Next articleવરસાદ ખેંચાતા સીએમે યોજી તાકીદની બેઠક, પાક-પાણીની જરુરિયાતની વિગતો મેળવાઇ