નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

0
516

આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આદિજાતિ લોકોના સંવાર્ગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરીને આદિવાસી સમાજના લોકોને આર્થિક રીતે ઉન્ન્ત બનાવવાનું કામ કર્યુ છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં અગાઉ મેડિકલના ઉચ્ચ અભ્યાસ માટે ૧ હજાર જેટલી જૂજ બેઠકો હતી. તેની સામે આજે બેઠકોમાં ઉત્તરોત્તર વધારો કરીને ૪૫૦૦ જેટલી મેડીકલ બેઠકો ઉપલબ્ધ બની છે જેના થકી આદિવાસી બાળકો તબીબી જ્ઞાન મેળવી રહ્યા છે. રાજય સરકારના દીર્ઘદ્રષ્ટીપૂર્ણ આયોજનને પરિણામે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ૮૦ હજારથી વધુ લોકો માટે નોકરીની જાહેરાત કરવામાં આવી જેમાં અનામતના ધોરણે આદિવાસી લોકોને નોકરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, બાળકોને શહેરમાં અભ્યાસ માટે રહેણાંકની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવરચિત અરવલ્લી જિલ્લાનું નિર્માણ કર્યુ છે જેના થકી આદિજાતિ તાલુકાઓના વિકાસને વેગ મળ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.

આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુકત રાષ્ટ્રો દ્વારા જાહેર કરાયો છે, તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના સંગ્રામમાં આદિવાસી લોકોનો મોટો ફાળો છે જેમાં વિજયનગરના પાલ-દઢવાવ ગોજારો હત્યાકાંડ પણ ઇતિહાસના પાને અંકિત થયો નથી તેનો પણ સમાવેશ થાય છે. શારિરીક રીતે સશક્ત યુવાનો આજે સૈન્યમાં ફરજ બજાવીને મા-ભોમની રક્ષા કાજે અડગ રહે છે. તેમણે આદિવાસી સંસ્કૃતિને બહુ જ પુરાણી ગણાવતા ઉમેર્યુ હતું કે, પશ્ચિમી સંસ્કૃતિના અતિક્રમણ સામે પણ આજે ય તેમના રીવાજો અને સંસ્કૃતિને કાયમ રાખી ટકાવી છે. રામાયણ અને મહાભારત કાળમાં ઉપયોગમાં લેવાતા તીર-કામઠા અને ભાલા તેમની સંસ્કૃતિ સાથે આજે પણ વણાયેલા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

ખેડબ્રહ્માની નવીમેત્રાલની આર્ડેક્તા કોલેજ ખાતે યોજાયેલ આંતરારાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી વેળાએ આદિવાસી સમાજના સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો તથા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા આદિવાસી યુવાનોનું સન્માન, આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન,સમાજ સેવકોનું બહુમાન, લોક સંસ્કૃતિ ઝાંખી કરાવતા પ્રદર્શનો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. આ ઉપરાંત તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓનું, રાજય કે નેશનલ કક્ષાના આદિવાસી રમતવીરોનું, સમાજ સેવા કે અન્ય ક્ષેત્રે અગ્રણી આદિવાસી મહિલા આગેવાનો તથા સમાજસેવા કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે આદિવાસી અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે હિંમતનગરથી પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા ચારમાર્ગીય રસ્તા તથા ખેડબ્રહ્મા અને વડાલી રેસ્ટ હાઉસ તથા અન્ય ગામોને જોડતા રસ્તાઓ મળી કુલ રૂ. ૨૦૦ કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મીઠીબેલી ગામે રૂ ૧ કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરૂણી-કિશોરીઓને આરોગયની જાણકારી આપતી હા બોલ સાથિયા કોફિ ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે માં અંબાજીના દર્શન કરી માતાજીના શુભાશિષની અર્ચના કરી હતી. ત્યારબાદ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ તેના તમામ વોર્ડનું નિરીક્ષણ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here