ગાયનેક ડોકટર માટે તાલીમ અને પરીક્ષા ફરજિયાત રહેશે

1550

પીએનડીટી(પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ) એકટ એટલે કે ગર્ભધારણ પૂર્વે અને જન્મ પૂર્વેના નિદાનની કાર્યપદ્ધતિના કાયદા બાબતે ગુજરાત હાઈકોર્ટે આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો જારી કરી તમામ ગાયનેકોલોજીસ્ટ તબીબો માટે ફરજિયાત તાલીમ અને પરીક્ષાની જોગવાઇને બહાલ રાખતાં સુપ્રીમકોર્ટના ચુકાદા અને માર્ગદર્શિકાની અમલવારી માટેનો મહત્વનો હુકમ કર્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે અગાઉ ગાયનેકોલોજીસ્ટ ડોકટરો માટે ફરજિયાત તાલીમ અને પરીક્ષાના અમલ સામે જારી કરેલો સ્ટે પણ ઉઠાવી લીધો હતો. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પગલે સોનોગ્રાફી મશીન રાખવા અને ચલાવવા માગતા રાજ્યના તમામ ગાયનેકોલજિસ્ટે (સ્ત્રીરોગ ચિકિત્સક) તાલીમ લઇ પરીક્ષા આપવી પડશે. રાજયના ગાયનેકોલોજીસ્ટ ડોકટરો તરફથી કરાયેલી રિટ અરજીઓની સુનાવણીમાં રાજય સરકાર તરફથી સુપ્રીમકોર્ટ દ્વારા પીએનડીટી એકટની જોગવાઇઓને બહાલ રાખતાં ચુકાદા અને તેમાં જારી કરાયેલી માર્ગદર્શિકાઓ બાબતે ગુજરાત હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, ખુદ સુપ્રીમકોર્ટે પીએનડીટી એકટની આ જોગવાઇઓનું ચુસ્તતાપૂર્વક પાલન કરવા સ્પષ્ટ તાકીદ કરી છે ત્યારે તેનો ગુજરાત રાજયમાં પણ અમલ કરવો જ રહ્યો અને તેથી હાઇકોર્ટે અગાઉ આપેલો સ્ટે ઉઠાવી લેવો જોઇએ.  ઉલ્લેખનીય છે કે, પીએનડીટી એક્ટ-૧૯૯૪ હેઠળની મુખ્ય જોગવાઈ અન્વયે બાળકનાં જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ નિયત કરવામાં આવ્યા છે.  જે અન્વયે જે તે જિલ્લાની ઓથોરિટી પાસે નોંધણી કરાવી નિયમોનું પાલન કરવાનું રહે છે. ગર્ભનું જાતીય પરીક્ષણ થઈ શકે તેવાં તમામ સાધન ધરાવતી સંસ્થાએ આ એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ ઉપરાંત તમામ સાધનોનું ખરીદ – વેચાણ, રીપેરિંગ કરનારે દર ૩ માસે આ અંગેનો રિપોર્ટ કરવાનો હોય છે.

નોંધણીનું પ્રમાણપત્ર ક્લિનિકમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ વાંચી શકે તેમ લગાડવું. સગર્ભા સ્ત્રીનું માહિતીનું રજિસ્ટર તથા તેમાં દર્દીનાં નામ, સરનામાં, ટેલિફોન નંબર ખાસ લખવા જરૂરી છે. જાતીય પરીક્ષણ કરનાર કે કરવા પ્રોત્સાહિત કરનારને રૂ.૫૦,૦૦૦ સુધીનો દંડ તથા પાંચ વર્ષની કેદ થઈ શકે તેવી પણ કાયદામાં જોગવાઇ છે ત્યારે હવે હાઇકોર્ટનો ઉપરોકત ચુકાદો પણ રાજયમાં ઘણો મહત્વનો સાબિત થશે.

Previous articleઆદિજાતિ પરંપરાને જીવંત રાખવા સરકાર કટિબદ્ધ છે : CM રૂપાણી
Next articleશાળામાં ગેરહાજર રહેતા બાળકોના ઘરે શિક્ષકોનો હલ્લાબોલ