માણસામાં પકોડી પર પ્રતિબંધ, બે એકમો પર તંત્રએ તાળા મારી દીધા

0
630

રાજયમાં ચોમાસાનાં દિવસોમાં ખોરાક જન્ય બિમારીઓ વધી જતી હોવાનાં કારણે ખાણીપીણીની ગુણવતાની ચકાસણી કરીને સરકારી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે માણસા શહેરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં પાણીપુરીમાં વપરાતી ચિજો બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા મોટો નિર્ણય લઇને શહેરમાં પાણીપુરી પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે. સરકારે રાજયમાં કયાંય પાણીપુરી પર વિધીવત પ્રતિબંધ જાહેર કર્યા નથી.

માણસા શહેરના પાલિકા તંત્ર દ્વારા લોકોના આરોગ્યને નુકશાનકારક પકોડી અને તેમાં વપરાતો લોટ, સડેલા બટાકા તેમજ ખરાબ ચણાનો મસાલો બનાવી વેચાતો હોવાની ફરિયાદને આધારે તંત્ર દ્વારા જાત-તપાસ કરી આવો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા તે સમયે કરવામાં આવેલી કાર્યવાહી બાદ આવા અન્ય વેપારીઓ પર પણ તવાઇ બોલાવવામાં આવી હતી. ત્યારે હવે સંપૂર્ણ રીતે શહેરમાં પકોડીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં પણ પકોડીની લારીઓ કે દુકાનોમાં આવો વેપાર બંધ થઈ ગયો છે. પરંતુ ગત મંગળવારે દર વખતની જેમ એક વખત સાહેબ આવીને જતા રહ્યા અને હવે ફરી નહી આવે તેવી અગાઉની પડી ગયેલી આદતને કારણે શ્રીનાથ દાબેલી અને કિશન દાબેલી નામની બે દુકાનના વેપારીઓ ફરીથી પકોડીનો વેપાર શરૂ કરી દેતા તંત્રએ ફરીથી ત્રાટકી અને તેઓની પાસેથી પકોડી નો મુદ્દામાલ જપ્ત કરી આ બંને દુકાને તાળા મારી દીધા હતા.

પાલિકા તંત્રની આ કામગીરી થી શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો છે. પરંતુ માણસામાં માત્ર પકોડીના વ્યવસાયમાં તગડા બની ગયેલા અને મસમોટી દુકાનો લઈને કોઈપણ જાતના ફૂડનું લાયસન્સ લીધા વિના બેરોકટોક વેપાર કરી અને લોકોના આરોગ્યને નુકશાન પહોચડતા વેપારીઓ તથા અન્ય ખાણીપીણીનો મોટાપાયે વેપાર કરતાં વેપારીઓને ત્યાં પણ જો ફૂડ વિભાગનું લાયસન્સ ન હોય તો આવા લોકો પર તંત્ર એ જાતે ફરિયાદી બની કાર્યવાહી કરવી જોઇએ તેવી લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here