વાઈબ્રન્ટ-૨૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઈન્ડિયા’ની થીમ પર યોજાશેઃ મુખ્યમંત્રી

1315

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯ની એડ્‌વાઈઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં વાઈબ્રન્ટ સમિટના આયોજનને લગતું પ્રેઝન્ટેશન નિહાળીને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે તા.૧૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઈન્ડિયા’ની થીમ પર યોજાશે.

વડાપ્રધાન મોદીની સંકલ્પનાના ભારત નિર્માણમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત આ સમિટથી યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટમાં યૂથ, નાના વેપારીઓ, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, બિઝનેસ-ટ્રેનિંગ એક્ટિવિટીને પણ જોડવામાં આવશે. આ વખતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં યૂથ કનેક્ટ ફોરમન યોજવામાં આવશે.

યૂથ ફોરમ યોજીને યંગ-અચીવર્સ, સફળ ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, યુવા વર્ગો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વિદેશ મંત્રાલય, વિવિધ રાષ્ટ્રોની એમ્બેસીઝ, ઉદ્યોગ-વેપારને લગતા સંગઠનો તમામનો સહયોગ મેળવીને ગુજરાતના વિકાસને વધુ વેગ આપવામાં આવશે.

એડ્‌વાઈઝરી કમિટી દ્વારા આપવામાં આવેલાં સૂચનોને ધ્યાને લઈને વાઈબ્રન્ટ સમિટ પહેલાં ડિસિઝન મેઈકિંગ ઉચ્ચસ્તરીય સમિતિમાં સૂચનો સંદર્ભે પરામર્શ કરવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં ફાર્મા અને મેડિકલ ફેસિલિટીઝને શો કેસ કરી મેડિકલ ટૂરિઝમ અને હેલ્થકેરને વ્યાપક સ્તરે પ્રમોટ કરવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ સેક્ટર, ડાયમન્ડ, મેન્યુફેક્ચરિંગ, સેઝ સહિતના ક્ષેત્રોને આગળ ધરવામાં આવશે.

Previous articleઉંઝામાં ડેપ્યૂટી CM નીતિન પટેલના હસ્તે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું
Next articleજાફરાબાદની શાળા, આંગણવાડીમાં કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ