મેરિકોમ સહિત કોમનવેલ્થના ૧૦ ગોલ્ડ મેડલિસ્ટ એશિયાડમાં નહીં રમે, ૨૦ પદક વિજેતા બહાર

0
244

ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગમાં ૧૮ ઓગસ્ટથી એશિયન ગેમ્સની શરૂઆત થશે. ભારતે ૩૪ રમતોમાં ભાગીદારી માટે ૫૭૬ એથલીટના નામનું એલાન કરી દીધું છે. તેમાં આ જ વર્ષે એપ્રિલમાં થયેલા ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ૨૦ ખેલાડીઓના નામ નથી. બોક્સર એમસી મેરીકોમ, શૂટર જીતૂ રાય, વેઇટલિફ્ટર સંજીતા અને મીરાબાઈ ચાનૂ સહિત ૧૦ ગોલ્ડ મેડલિસ્ટ એશિયન ગેમ્સમાં જોવા નહીં મળે. સ્ટાર બોક્સર મેરીકોમને તેમની પસંદગીનો ભાર વર્ગ (વેઇટ ક્લાસ) નથી મળ્યો, એટલે તેમણે નામ પાછું ખેંચી લીધું. ભારતે ચાર વર્ષ પહેલા દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં થયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ૫૭ મેડલ મેળવ્યા હતા. તેમાં ૧૧ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલ સામેલ હતા.

મેરીકોમને એશિયાડ માટે ૫૧ કિગ્રા વર્ગભારમાં જગ્યા મળી રહી હતી પરંતુ તે ૪૮ કિગ્રા વર્ગભારમાં રમવા માંગતી હતી. એટલે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું. મેરીકોમ ૨૦૧૪ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીતી હતી. ૨૦૧૦ના એશિયાડમાં તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.

ગોલ્ડકોસ્ટમાં ગોલ્ડ જીતનારી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ અને સંજીતા ચાનૂ પણ એશિયાડ ટીમમાં નથી. બંને હજુ સુધી એક પણ વાર એશિયન ગેમ્સનો હિસ્સો નથી બની. મીરાબાઈએ ઈજાના કારણે એશિયાડમાંથી ૧૦ દિવસ પહેલા પોતાનું નામ પાછું ખેંચ્યું. જ્યારે ડોપ ટેસ્ટમાં ફેઇલ થવાને કારણે સંજીતા ચાનૂને ટીમમાં સિલેક્ટ કરવામાં ન આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here