ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન

1206

ગાંધીનગરના લાંબા સમયના વિરામ બાદ ચોમાસાનો કહી શકાય તેવો સારો વરસાદ વહેલી સવારથી શરૂ થયો હતો. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ બે થી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. સમગ્ર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસતા ખેતી કરતાં ખેડૂતોને રાહત મળી હતી. શહેરમાં વરસાદને પગલે ઠંડક પ્રસરી હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વરસાદી સીસ્ટમ સક્રિય થતાં લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થયો છે. જેમાં સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત સહિત પાટનગર ગાંધીનગરમાં પ્રથમવાર સીઝનનો સારો વરસાદ કહી શકાય તેવો વરસાદ પડતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. અરવલ્લીના માલપુરમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા જળબંબાકાર સર્જાયો હતો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતુ કરી રહ્યું છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ સાથે વરસાદનું આગમન થયું હતું.

ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલોલમાં નોંધાયો હતો જે સાંજે પ.૦૦ વાગ્યા સુધી ૧૧૧ મી.મી. નોંધાયો છે. આ ઉપરાંત દહેગામમાં ૭૭ મીમી તેમજ માણસામાં ૭૪ મીમી અને ગાંધીનગર શહેરમાં પ૮ મીમી વરસાદ નોંધાયો છે. જોકે સરકારમાં રજા હોવાથી વરસાદના માહોલમાં લોકોએ ઘરમાંજ ભરાઈ રહેવાનું પસંદ કર્યું હતું અને માર્ગો સુમસામ જણાતા હતાં. પવન સાથે આવેલા વરસાદે ટ્રીમીંગ કર્યા વગરના ભારે ઝાડનો જિલ્લામાં સોથ વાળી નાખ્યો હોવાના અહેવાલ છે. પાટનગરમાં અખબાર ભવનમાં પણ પીપળાનું ઝાડ પડતાં સ્વિફટ કારના કાચ તુટી ગયા હતા અને ગાડીને નુકશાન થવા પામ્યું હતું.

Previous articleટાટની પરીક્ષાનું પેપર લીક થવા મામલે કલેક્ટરને આવેદનપત્ર
Next articleદામનગરની શાળાને સ્વચ્છતા એવોર્ડ મળ્યો