‘અટલ’ આત્મા પરમાત્મામાં વિલિન

0
1127

અટલ આત્મા પરમાત્મામાં વિલિન થઇ જતાં દેશભરમાં તેમના કરોડો સમર્થકો દુખમાં ગરકાવ દેખાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુત્રી નમિતાએ અગ્નિદાહ આપ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સ્મૃતિ સ્થળ પર વાજપેયીના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આની સાથે જ તેઓ પંચ મહાભૂતોમાં વિલિન થયા હતા. અંતિમ સંસ્કાર સ્થળ ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીના શરીરથી તિરંગાને લપેટીને અંતિમ સંસ્કાર સ્થલે લાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ તિરંગાને દૂર કરીને આ તિરંગો નિહારીકાને સોંપવામાં આવતા તમામ લોકો ભાવનાશીલ બન્યા હતા. ભુટાન નરેશ જિગ્મે ખેસર પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વાજપેયીના અવસાન ઉપર વિશ્વના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. સ્મૃતિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રમુખ બિપીન રાવત, નૌકા સેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા, એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનુઆ પણ ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, આનંદ શર્માનો સમાવેશ થાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં લોકો ઉમટી પડ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના અગાઉ ભાજપ હેડ ક્વાર્ટસ ખાતે અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા. તે પહેલા વાજપેયીના પાર્થિવ શરીરને ગઇકાલે ગુરુવારના દિવસે સાંજે અવસાન થયા બાદ તેમના આવાસ ઉપર લઇ જવામાં આવ્યા હતા. રાત્રે આવાસ ઉપર પાર્થિવ શરીરને રાખવામાં આવ્યા બાદ આવાસ ઉપર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ સહિત તમામ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. રાત્રી ગાળામાં તેમના પાર્થિવ શરીરને આવાસ પર રખાયા બાદ આજે સવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો .

જ્યાં પણ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. ભાજપ હેડક્વાર્ટરથી બપોરના ગાળામાં તેમની અંતિમ યાત્રા શરૂ થઇ હતી. વાજપેયીના પાર્થિક શરીરને તેમના આવાસ પર રાખવામાં આવ્યા બાદ હવે ભાજપ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઇકાલે બપોર બાદ એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. શરીરના અનેક ભાગ વધતી વયના કારણે કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખુબ બગડી ગઈ હતી. ત્યારબાદથી જ તેમના આરોગ્યને લઇને કોઇ આઘાતજનક સમાચાર આવશે તેને લઇને છેલ્લા ૨૪ કલાકથી લોકો ચિંતિતરીતે વિચારી રહ્યા હતા અને આખરે આંજે પાંચ વાગે ચિંતા મુજબ જ નિરાશાજનક સમાચાર આવ્યા હતા અને વાજયેપીના અવસાન અંગેના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. છેલ્લા ૯ સપ્તાહથી એમ્સમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકથી લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર હતા. આઈસીયુમાં તબીબોની ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ૯૩ વર્ષીય વાજપેયીને બચાવી શકાયા ન હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here