રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી ૮ કિલો ચરસ ઝડપાયું

1077

ગાંધીનગર પોલીસે નાર્કોટીક્સનાં ગુનાઓ શોધવા પર ધ્યાને કેન્દ્રીત કર્યુ છે ત્યારે ચિલોડા પોલીસની ટીમે ચિલોડા-હિંમતનગર હાઇ-વે પર ખાનગી બસને રોકાવીને મધ્યપ્રદેશનાં શખ્સને રૂ.૪.૧૦ લાખનાં ૮ કિલો ચરસ સાથે મધ્યપ્રદેશનાં શખ્સને ઝડપી લીધો હતો. ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે રૂ.૮ લાખની આસપાસની કિંમત ગણાઇ રહી છે. મધ્યપ્રદેશનો આ કેરીયર અજમેરથી ચરસનો આ જથ્થો લાવ્યો હોવાનું પ્રાથમિક પુછપરછમા સામે આવ્યુ છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ઓગષ્ટ માસમાં જ નાર્કોટીક્સનો ત્રીજો કેસ કર્યો છે. ચિલોડા પોલીસનાં જણાવ્યાનુંસાર શુક્રવારની પુર્વ રાત્રે એએસઆઇ ગૌરવકુમાર ટીમનાં જવાનો સાથે ચંદ્રાલા નાકાપોઇન્ટ પર વાહન ચેકીંગમાં હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી રાજધાની ટ્રાવેલ્સની ટ્રાવેલ્સ નં આરજે ૬ પીબી ૨૨૨૫ને રોકાવીને ચેકીંગ હાથ ધર્યુ હતુ. રાજસ્થાનથી આવતી ખાનગી બસોમાં દારૂની હેરફેર થતી હોવાનું ખુલ્યા બાદ પોલીસ દ્વારા બસોનું પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે પોલીસને સામાનની ડેકીમાંથી એક કાળા કલરની બેગમાંથી શંકાસ્પદ પેકીંગ મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ માદક પદાર્થ લાગતા બેગનાં માલીક મુસાફર ફરીદ બાબુભાઇ છીયા (રહે જાવડ, જિ નિમ્બચ, મધ્યપ્રદેશ)ની અટકાયત કરીને પીઆઇ એલ ડી વાઘેલાને જાણ કરતા એફએસએલને સ્થળ પર બોલાવી હતી. એફએસએલની તપાસમાં ગાંજામાંથી બનાવવામાં આવેલો ચરસનો જથ્થો હોવાની ખબર પડી હતી. સ્થળ પર જ વિડીયોગ્રાફી સાથે તોલમાપ કરતા કુલ ૮.૨૧૪ કિલોગ્રામ વજન થયુ હતુ. ચરસ લાવનાર શખ્સ ફરીદની પુછપરછ કરતા આ જથ્થો કાશ્મિરથી અજમેર પહોચતો હોવાનું તથા ત્યાંથી અમદાવાદ લઇ જવા નિકળ્યો હોવાની ખબર પડી હતી. પોલીસ દ્વારા રૂ.૫૦ હજાર પ્રતિકિલો પ્રમાણે આ જથ્થાની કિંમત રૂ.૪.૧૦ લાખ આંકીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં તાજેતરમાં પકડવામાં આવેલા ૨૮ કિલો ગાંજાની તપાસ એસઓજી પીઆઇ પી આઇ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ચરસનાં આ કેસની તપાસ પણ એસઓજી પીઆઇને સોપવામાં આવી છે. એસઓજીની ટીમો સમગ્ર નેટવર્કને ભેદવા ઘણા દિવસથી લાગેલી છે. ત્યારે વધુ એક જથ્થો પકડાતા આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરી છે.

Previous articleશપથગ્રહણમાં POKના રાષ્ટ્રપતિ સાથે બેઠા સિદ્ધુ
Next articleછત્રાલ-જીઆઇડીસીમાં શેડ સહિત ૫૨ દબાણ હટાવાયા