ઘોઘા અને જેસર પંથકમાં દોઢ ઈંચ વરસાદ

1068

ગોહિલવાડ પંથકમાં બીજી ઈનીંગમાં મેઘરાજા સતત ત્રણ દિવસથી હાજરી પુરાવી રહ્યાં છે. જેમાં આજે જિલ્લાના ઘોઘા અને જેસર પંથકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગર શહેરમાં દિવસભર ધાબડીયા વાતાવરણ વચ્ચે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં આજે સવારથી જિલ્લાભરની સાથોસાથ ભાવનગર શહેરમાં વાદળો ઘેરાયેલા રહ્યાં હતા પરંતુ સમયાંતરે શહેરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા અને ભારે વરસાદની નગરજનોની આશાઓ ઠગારી નિવડી હતી. શહેરમાં રાત્રિના આઠ વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના ઘોઘા તેમજ જેસર પંથકમાં ધોધમાર વરસાદ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો તો તળાજા અને પાલીતાણા પંથકમાં રાત્રિ સુધીમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહુવા, ગારિયાધાર અને ઉમરાળા પંથકમાં જોરદાર ઝાપટા વરસ્યા હતા. આજે દિવસભર વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સમયસરના વરસાદથી ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

Previous articleકુંઢેલી, દેવળીયા, દાત્રડ, ટાઢાવડ સહિત ગામોમાં જોરદાર વરસાદ
Next articleગુસ્તાખી માફ