દક્ષિણ ગુજરાતમાં હજુય મોનસુન સક્રિય : ચાર ઇંચ સુધીનો વરસાદ

1562

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. આજે પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. ડાંગમાં ભારે વરસાદના પગલે ૧૧ ગામો સંપર્કવિહોણા થયેલા છે. માંડવીમાં લાખી ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળા ચાર ગામોમાં એલર્ટ કરવાની ફરજ પડી છે. ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે. વલસાડની ઓરંગા નદી બે કાંઠે થઇ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સારી એવી મેઘમહેર જોવા મળી રહી છે. તો, ઉત્તર ગુજરાતના કેટલાક પંથકોમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

અને તેમની અમીદ્રષ્ટિ વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૭ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.  સૌથી વધુ ગોધરામાં પાંચ ઈંચથી વધુ, મોરવાહડફમાં ૪.૫ ઈંચ, બાલાસિનોર ૪ ઈંચ, કપડવંજમાં ૪, હાલોલમાં ૪, શહેરામાં ૪ ઈંચ, સંતરામપુરમાં ૪,  વઘઈ અને ધરમપુરમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંં વરસાદનું વધુ જોર જોવા મળ્યું હતું. તો, સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, રાજુલા, અમરેલી, પોરબંદર, રાજકોટ, કાલાવડ, ઘેડ સહિતના પંથકોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. મેઘરાજાના આ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદ વરસી રહ્યો હોઇ રાજયના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સરદાર સરોવર ડેમમાં આજે પાણીની સપાટી ૧૧૫.૮૨ મીટરથી ઉપર પહોંચી હતી, છેલ્લા પાંચ દિવસમાં ડેમની જળસપાટીમાં છ મીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ૫૭૫.૬૦ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટમાં સાંજે ધોધમાર વરસાદ ખાબકયો હતો. રાજયમાં આજે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના ગોધરામાં પાંચ ઇંચથી વધુ અને મોરવાહડફમાં સાડા ચાર ઇઁચથી વધુ અને બાલાસિનોરમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વઘઈ અને ધરમપુરમાં ૪ ઈંચથી વધુ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અંબિકા, ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ડાંગમાં ભારે વરસાદના પગલે ૧૧ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ભારે વરસાદના પગલે નદી-નાળાઓના જળ સ્તર વધી રહ્યા છે. દરમિયાન માંડવીમાં આવેલો લાખી ડેમ ઓવરફ્‌લો થતા નીચાણવાળા ચાર ગામને અલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના પગેલ માંડવી ખાતે આવેલા લાખી ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. જેના પગલે લાખી ડેમ ૭૪.૨૦ની સપાટી વટાવી ઓવરફ્‌લો થયો હતો. લાખી ડેમ ઓવરફ્‌લો થતા નીચાણવાળા કલમ કુવા, બેડધા, ભાતખાઈ અને સરકૂઈ ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે,  સમગ્ર ભારતમાં રચાયેલી વરસાદી સીસ્ટમને કારણે સોમવારથી ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા છે. જેના કારણે ૧,૨૯,૩૪૧ ક્યુસેક પાણીનો આઉટફ્‌લો ઉકાઈ ડેમમાં ઠલવાશે. આ ઉપરાંત સારંગખેડા અને પ્રકાશ બેરેજના દરવાજા ખોલાતા ૭૬૦૨૮ ક્યુસેક પાણી છોડાયું છે. જેથી ઉકાઈ ડેમની સપાટીમાં ભારે વધારો થવાની સંભાવના છે. જ્યારે સુરતમાં છેલ્લા ૧૨ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જિલ્લાના ઉમરપાડામાં ૩ ઈંચ નોંધાયો છે. તો, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઈમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદીમાં બંને કાંઠે ધસમસતા વહેણ વહેતા થતા કેચમેન્ટ એરિયામાં આવતા ૧૧ ગામો સંપર્કવિહોણા થવા સાથે જનજીવન પર માઠી અસર પહોંચી છે. અંબિકાએ રૌદ્ર રૂપ ધારણ કરતા કેચમેન્ટ એરિયામાં આવતા નડગચોંડ, ઘોડવહળ, સુપદહાડ, આહેરડીથી બોરદહાડ, નાનાપાડાથી કુમારબંધ તેમજ ખાપરી નદીના કેચમેન્ટમાં આવેલા સતીવાંગણ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ, બોરખલ-લીંગા તેમજ પૂર્ણા નદીના કેચમેન્ટમાં આવેલા કાકડવિહિર-ખેરીન્દ્રા, ગોવ્હાણ-જામનગોંડા તેમજ ગીરા નદીના ધુલદાથી ગીરમાળને જોડતા કોઝ વે નદીના ધસમસતા પૂરમાં ગરક થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વલસાડના ધરમપુરમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાતા અને ઉપરવાસના વરસાદના કારણે તાન અને ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે.

દરમ્યાન કચ્છના માંડવી તાલુકાની મહત્વની ગોડધા સિંચાઈ યોજનાનો ગોડધા ડેમ સિઝનમાં ત્રીજીવાર છલકાયો હતો. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમ્યાન રાજયમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. દરમિયાન રાજકોટમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બે ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો.

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે